Site icon Revoi.in

મોદી સરકારે મોટો સંકલ્પ દેખાડયો, પરંતુ વળતી કાર્યવાહી માટે સેનાના હાથ હંમેશા હતા ખુલ્લા: લે. જનરલ હુડ્ડા

Social Share

પણજી : ભારતે 2016માં ઉરી સૈન્ય છાવણી પર આતંકવાદી હુમલા બાદ અંકુશ રેખા પાર કરીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને આતંકવાદીઓના ઘણાં લોન્ચ પેડ્સ ધ્વસ્ત કર્યા હતા. ભારતીય રાજનીતિમાં આની ખૂબ ચર્ચા થઈ રહી છે. ભાજપ પર આરોપ લગાવાઈ રહ્યો છે કે તેણે હંમેશા અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂઆત કરીને ચૂંટણીમાં ફાયદોલ લેવાની કોશિશ કરી. તાજેતરમાં પુલવામા આતંકવાદી હુમલા બાદ પણ ભારતે એરસ્ટ્રાઈક કરી હતી. જે 2016ની સર્જિકલ સ્ટ્રાઈકથી ઘણી રીતે આગળ હતી.

ભારતે સર્જિકલ સ્ટ્રાઈક જ્યાં નિયંત્રણ રેખાની નજીકના વિસ્તારોમાં જ કરી હતી, ત્યારે એરસ્ટ્રાઈક પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવી તી. જેમાં જૈશ-એ-મોહમ્મદના ઘણાં તાલીમ કેન્દ્રો નષ્ટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન ખાતેના આ આતંકી જૂથે પુલવામા એટેકની જવાબદારી લીધી હતી. 1971 બાદ પહેલો પ્રસંગ હતો કે જ્યારે ભારતીય વાયુસેના સરહદ પાર કરીને પાકિસ્તાનમાં ગઈ હતી.

ભાજપે વારંવાર એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો છે અને તેના કારણે તેના ઉપર ચૂંટણીમાં કથિત ફાયદો લેવા માટે સેનાના શૌર્યનું રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. આ તમામ ઘટનાક્રમો વચ્ચે ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ ડી. એસ. હુડ્ડાએ ક્હ્યુ છે કે મોદી સરકારે નિશ્ચિતપણે આ મામલામાં મોટો સંકલ્પ દેખાડયો છે, પરંતુ સેનાના હાથ પહેલા પણ બંધાયેલા ન હતા.

2016ની સર્જિકલ સ્ટ્રાઈક વખતે નોર્ધન કમાન્ડની આગેવાની કરી રહેલા લેફ્ટિનેન્ટ જનરલ હુડ્ડાનું નિવેદન બેહદ મહત્વપૂર્ણ છે ,  કારણ કે ઘણી જાહેરસભાઓમાં પીએમ મોદી સહીતના ભાજપના ઘણાં નેતાઓ એક ન્યૂઝ રિપોર્ટને ટાંકીને કહે છે કે 2008ના મુંબઈ એટેક બાદ સેના પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે તૈયાર હતી. પરંતુ કોંગ્રેસની આગેવાનીવાળી તત્કાલિન યુપીએ સરકારે આની મંજૂરી આપી નહીં. જ્યારે ભાજપની આગેવાનીવાળી હાલની એનડીએ સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી છે. કોંગ્રેસ પર રાષ્ટ્રીય સુરક્ષાના મામલાઓમાં ઉદાસિનતા દાખવવાનો આરોપ પણ લગાવાઈ ચુક્યો છે. કોંગ્રેસના ખેમાથી પણ એવા અવાજ સંભળાવા લાગ્યા હતા કે રાષ્ટ્રીય સુરક્ષાના મામલા પર મોદી સરકાર અપેક્ષાકૃત વધારે કડક છે. કદાચ તેના કારણે 2019ની લોકસભા ચૂંટણીમાં તે મોટો મુદ્દો છે.

લેફ્ટિનેન્ટ જનરલ ડી. એસ. હુડ્ડાએ કહ્યુ છે કે મોદી સરકારે સેનાને સીમા પર જઈને સ્ટ્રાઈકની મંજૂરી આપવામાં મોટો સંકલ્પ દેખાડયો છે. પરંતુ સેનાના હાથ આના પહેલા પણ ક્યારેય બંધાયેલા ન હતા. તેઓ વિજ્ઞાપન સંગઠનો દ્વારા આયોજીત ગોવા ફેસ્ટમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે સેનાને ખુલ્લી છૂટ આપવા મામલે કહ્યુ હતુ કે આના પર ઘણી વાતો થઈ છે. પરંતુ સેના 1947માં દેશની આઝાદી બાદથી જ સ્વતંત્ર છે અને નિયંત્રણ રેખા સહીત આંતરરાષ્ટ્રીય સીમા પર ઘણાં અર્થોમાં તેમને ખુલ્લી છૂટ હોય છે.

સેવાનિવૃત્ત સૈન્યાધિકારીએ કહ્યુ છે કે દેશની આઝાદી બાદ ભારતીય સેના ત્રણથી ચાર યુદ્ધ લડી ચુકી છે અને ઘણાં અર્થમાં સૈન્યકર્મીઓ સ્વતંત્ર નિર્ણય લેતા હોય છે. અંકુશ રેખા પરની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ છે કે આ ખતરનાક સ્થાન છે. ઘણીવાર એવું થાય છે કે જ્યારે ઉપરથી ગોળીબાર થઈ રહ્યો હોય છે. ત્યારે જમીન પર તેનાત સૈનિક તાત્કાલિક તેનો જવાબ આપશે. તેઓ પુછશે નહીં. આમા મંજૂરી લેવાનો કોઈ સવાલ જ નથી. તેમણે કહ્યુ છે કે સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. કોઈ વિકલ્પ નથી.

સપ્ટેમ્બર- 2016ની સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન નોર્ધન કમાન્ડને લીડ કરી ચુકેલા સેવાનિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ હુડ્ડા આના પહેલા પણ કહી ચુક્યા છે કે આને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યું છે અને તેની જરૂરત ન હતી. ગત ડિસેમ્બરમાં એક ચર્ચા દરમિયાન તેમણે સેનાના રાજનીતિકરણને લઈને ચેતવણી આપતા કહ્યુ હતુ કે ઉરી હુમલા બાદ પાકિસ્તાનને આકરો સંદેશ આપવું જરૂરી થઈ ગયું હતું. આના પર ખુશી સ્વાભાવિક છે, પરંતુ તેનો સતત પ્રચાર-પ્રસાર ઠીક નથી.

એ પણ ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લેફ્ટિનેન્ટ જનરલ હુડ્ડાના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા પર એક ટાસ્ક ફોર્સની તાજેતરમાં રચના કરી હતી. તેમણે દેશ માટે એક દ્રષ્ટિપત્ર તૈયાર કરવાની જવાબદારી લેફ્ટિનેન્ટ જનરલ હુડ્ડાને સોંપી હતી. હુડ્ડાએ તાજેતરમાં પોતાનો રિપોર્ટ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપ્યો છે. જો કે લેફ્ટિનેન્ટ જનરલ હુડ્ડા પોતાના કોંગ્રેસ સાથે જોડાવાની અટકળબાજીઓને રદિયો આપી ચુક્યા છે.