Site icon Revoi.in

કર્તવ્યનિષ્ઠને સલામ : ગૌહાટીમાં વાવાઝોડાં વચ્ચે ડ્યૂટી પર તેનાત રહ્યો પોલીસ કોન્સ્ટેબલ, સોશયલ મીડિયાનો બન્યો સ્ટાર

Social Share

આસામના ગૌહાટીમાં ટ્રાફિક પોલીસનો એક કોન્સ્ટેબલ ભારે વાવાઝોડાં અને વરસાદ વચ્ચે પોતાની ડ્યૂટી કરતો રહ્યો. સોશયલ મીડિયા પર તેના વીડિયો અને તસવીરો ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. કોન્સ્ટેબલ મિથુનદાસ રવિવારે ગૌહાટીના બસિસ્તા ચોક પર ટ્રાફિક કોન્સ્ટેબલ તરીકે પોતાની તેનાતી દરમિયાન વાહનવ્યવહારને નિયંત્રિત કરી રહ્યા હતા. તે વખતે અચાનક વાવાઝોડું અને બારે વરસાદ થવા લાગ્યો હતો. તેવામાં મિથુનદાસ ચોક પર બનેલા પોડિયમ પર ઉભા રહ્યા અને કોઈપણ રેનકોટ વગર ટ્રાફિકને નિયંત્રિત કરવાની પોતાની ફરજ બજાવતા રહ્યા હતા.

કોન્સ્ટેબલે આના સંદર્ભે જણાવ્યુ હતુ કે તેમની ડ્યૂટી સવારે સાત વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીની હતી. તેમની ડ્યૂટીના સમાપ્ત થવાના પાંચ મિનિટ પહેલા જ વાવાઝોડું અને ભારે વરસાદ થવા લાગ્યો હતો. તે વખતે તેમના પછી ડ્યૂટી પર તેનાત કોન્સ્ટેબલ પહોંચ્યો ન હતો. માટે તેમણે ટ્રાફિકને નિયંત્રિત કરવાનું તેમનું કામ ચાલુ રાખ્યું હતું.

મિથુનદાસે કહ્યુ છે કે જો કે આવા પ્રકારના વાવાઝોડા અને વરસાદ વચ્ચે ખુલ્લા પોડિયમ પર ઉભા રઈને ટ્રાફિકને નિયંત્રિત કરવાનો તેમનો અનુભવ ડરામણો હતો. જો કે તેમના માટે ડ્યૂટી સૌથી પહેલા આવે છે. કાર્બી આંગલોંગ જિલ્લાના કોન્સ્ટેબલ મિથુનદાસ 2015માં આસામ પોલીસમાં જોડાયા હતા.

વાવાઝોડાં અને વરસાદ વચ્ચે ફરજ બજાવી રેહલા મિથુનદાસનો તેમની આસપાસના વાહનચાલકો અને લોકોએ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોને સોશયલ મીડિયા પર ખૂબ મોટા પ્રમાણમાં શેયર કરવામાં આવ્યો છે. ગૌહાટી પોલીસ કમિશનર દીપક કુમારે કહ્યુ છે કે વરસાદ દરમિયાન ગૌહાટીમાં ટ્રાફિક વધી જાય છે. તેવામાં મિથુને એ વાત સાબિત કરી હતી કે પરિસ્થિતિ ચાહે જે પણ હોય, ડ્યૂટી સૌથી પહેલા આવે છે.

આસામ પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ કોન્સ્ટેબલની પ્રશંસા કરી છે. આસામ પોલીસે લખ્યું છેકે કોન્સ્ટેબલ મિથુનદાસે જે સ્થિતિમાં પોતાની ડ્યૂટી કરી છે, તેને સમર્પણ કહે છે. અમે તેમને સલામ કરીએ છીએ. મિથુનદાસે દેખાડયુ છે કે સમર્પણની સામે કેવી રીતે વાવાઝોડું પણ પાણીના છાંટાઓ જેવું લાગે છે. આસામ પોલીસે કોન્સ્ટેબલને તેમની બહાદૂરી માટે પુરસ્કૃત કરવાની ઘોષણા પણ કરી છે.