Site icon Revoi.in

અર્જુન એવોર્ડ માટે બુમરાહ અને જાડેજા સહિત 4 ખેલાડીઓના નામનું BCCIએ કર્યું સૂચન

Social Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ અર્જુન એવોર્ડ માટે મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા અને પૂનમ યાદવના નામનું સૂચન કર્યું છે. તાજેતરમાં જ શમી, બુમરાહ અને જાડેજાને ભારતના વર્લ્ડકપની 15 સભ્યોની ટીમમાં પણ સિલેક્ટ કરવામાં આવ્યા છે. શમી અને જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલર્સ છે. રવીન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર અને મહિલા ક્રિકેટર પૂનમ યાદવ સ્પિનર છે. રમત-ગમત મંત્રાલય રમત ક્ષેત્રે અસાધારણ ઉપલબ્ધિ હાંસલ કરનાર ખેલાડીઓને આ પુરસ્કાર આપે છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા અપોઈન્ટ થયેલા પ્રશાસકોની સમિતિ (સીઓએ) અને બીસીસીઆઇએ ચર્ચા પછી ચાર નામો નક્કી કર્યા છે. જનરલ મેનેજર (ક્રિકેટ સંચાલન) સબા કરીમે ત્રણ સભ્યોની સીઓએ- વિનોદ રાય, ડાયના ઇડુલ્જી અને લેફ્ટનન્ટ જનરલ રવિ થોડગેની સામે ખેલાડીઓના નામ પ્રસ્તાવિત કર્યા.

2018માં સ્મૃતિ મંધાનાને અર્જુન એવોર્ડ મળ્યો હતો. જોકે, 2017માં આ પુરસ્કાર બે ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા અને હરમનપ્રીત કૌરને મળ્યો. 1961થી અત્યાર સુધી સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, યુવરાજ સિંહ, વીરેન્દ્ર સહેવાગ, હરભજન સિંહ, મિતાલી રાજ અને અંજુમ ચોપડા સહિત 53 ક્રિકેટર્સને આ અર્જુન એવોર્ડ મળી ચૂક્યો છે.