Site icon Revoi.in

ઈરાકની ટિગરિસ નદીમાં નૌકા દુર્ઘટનામાં 94 લોકોના મોત

Social Share

ઈરાકમાં મોસુલ શહેરની નજીક ટિગરિસ નદીમાં એક બોટ ડૂબી જતા 94 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. નૌકામાં ક્ષમતાથી વધારે લોકો સવાર હતા અને તેઓ કુર્દ નવવર્ષ મનાવી રહ્યા હતા.

ઈરાકના વડાપ્રધાન અદેલ અબ્દેલ મહદીએ આ નૌકા દુર્ઘટના બાદ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકનું એલાન કર્યું છે. તેમણે દુર્ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી છે અને આ દુર્ઘટના માટે જવાબદાર લોકોની ભાળ મેળવવા માટે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

ઉત્તર નાઈનવેહ પ્રાંતમાં નાગરીક સુરક્ષાના પ્રમુખ કર્નલ હુસામ ખલીલે કહ્યુ છે કે દુર્ઘટના ગુરુવારે ત્યારે થઈ હતી, કે જ્યારે મોટી સંખ્યામાં લોકો નવરોજ મનાવવા માટે બહાર નીકળ્યા હતા. આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ બદ્રએ કહ્યુ હતુ કે તલાશી અબિયાન હજુપણ ચાલુ છે. ગૃહ મંત્રાલયે કહ્યુ છે કે 94 લોકોના મોત નીપજ્યા છે અને અન્ય 55 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તા સાદ માનનું કહેવું છે કે મૃતકોમાં ઓછામાં ઓછા 19 બાળકો છે.

ઈરાકના વડાપ્રધાને કહ્યુ છે કે આ દુર્ઘટનામાં 61 મહિલાઓએ જીવ ગુમાવ્યો છે. ઈરાકમાં તાજેતરના વર્ષોમાં જેહાદી હુમલા અને યુદ્ધમાં હજારો લોકોના જીવ ગયા છે. પરંતુ આવા પ્રકારની દુર્ઘટના અસામાન્ય છે. ઈરાકના ન્યાય મંત્રાલયે કહ્યું છે કે તેમણે નૌકા કંપનીના નવ અધિકારીઓની ધરપકડનો આદેશ આપ્યો છે.

Exit mobile version