Site icon Revoi.in

કોરોનાના સમયમાં ઓનલાઇન વેચાણમાં તેજી, જૂનમાં 17 ટકા વૃદ્વિ નોંધાઇ

Social Share

એક તરફ સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે, લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે બીજી તરફ આ સમયમાં ઇ-કોમર્સ ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. ઇ-કોમર્સ મારફતના ઓર્ડર વોલ્યુમમાં જૂનમાં વાર્ષિક ધોરણે 17 ટકા વૃદ્વિ જોવા મળી છે. લોકડાઉન, મર્યાદિત સમયની ઉપલબ્ધતા તેમજ સંક્રમણના ભય જેવા પરિબળોને કારણે ઉપભોક્તાઓની ખરીદી પદ્વતિમાં બદલાવ જોવા મળ્યો છે. તેનો સીધો લાભ ઇ-કોમર્સ ક્ષેત્રને થઇ રહ્યો છે.

ઇ-કોમર્સ ટ્રેન્ડ પર નજર કરીએ તો હેલ્થ તથા ફાર્મા, ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ (FMCG) તથા કૃષિ ક્ષેત્રમાં વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. ઓનલાઇન મારફત ખરીદી કરનારાની સંખ્યા વધી છે. ભારતમાં વર્તમાન વર્ષના પ્રારંભથી જ ઇ-કોમર્સ ક્ષેત્રમાં ગતિ જોવા મળી રહી છે. એક રિપોર્ટમાં આ માહિતી પ્રકાશિત કરવામાં આવી છે.

જો કે લોકડાઉન બાદ શરૂ થયેલા અનલોક દરમિયાન કામકાજમાં  ઈ-કોમર્સના વળતરમાં ઘટાડો જોવા મળી રહ્યાનું રિપોર્ટમાં દાવો કરાયો છે. સલામતિના નવા ધોરણો તથા આવશ્યક પ્રોડકટસની માગમાં વધારાને કારણે વળતરમાં ઘટાડો જોવા મળ્યો છે.  સામાન્ય રીતે આવશ્યક પ્રોડકટસમાં વળતર નીચું રહેતું હોય છે. ઈ-કોમર્સ કંપનીઓ મોટા શહેરો કરતા નાના અને મધ્યમ શહેરો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

(સંકેત)