Site icon Revoi.in

વણસી રહ્યા છે અમેરિકા-ચીનના વેપારી સંબંધો, આ મહિલા છે તેનું અસલી કારણ

Social Share

અમેરિકા અને ચીન વચ્ચે વેપારના મોરચે સંબંધો સતત બગડી રહ્યા છે. બંને દેશોએ એકબીજા વિરુદ્ધ અનેક પ્રોડક્ટ્સ પર આયાતવેરો વધારી દીધો છે. આ દરમિયાન અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને દુનિયાની સૌથી મોટી મોબાઈલ કંપની હુવેઈ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હુવેઈ ચીનની મોટી કંપની છે. અમેરિકાના આ નિર્ણય વિરુદ્ધ ચીને જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. હુવેઈની કમાન હાલ ચીનની મહિલા મેંગ વાનઝોઉ પાસે છે.

મેંગ વાનઝોઉના લીધે જ અમેરિકા અને ચીન પહેલા પણ ટકરાઈ ચૂક્યા છે. હકીકતમાં ગત દિવસોમાં કેનેડામાં અમેરિકાના ઇશારા પર મેંગ વાનઝોઉની ધરપકડ થઈ હતી. આ કારણે ચીને કેનેડા અને અમેરિકા વિરુદ્ધ મોરચો ખોલી લીધો હતો. જાણો આ મહિલા અને કંપની વિશે.

મેંગ વાનઝોઉ ચીનની દિગ્ગજ ટેલિકોમ કંપની હુવેઈ ટેક્નોલોજીઝની ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને કંપનીના સંસ્થાપક રેન ઝેંગફેઈની દીકરી છે. ચીનના બિઝનેસમેન રેન ઝેંગફેઈના દેશના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સારા સંબંધો સ્થાનિક મીડિયામાં ખૂબ ચર્ચામાં રહે છે.

મેંગ વાનઝોઉએ 1993માં પોતાના પિતાની કંપની હુવેઇ જોઇન કરી હતી. ત્યારે મેંગ વાનઝોઉએ હોંગકોંગમાં હુવેઈ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. મેંગ વાનઝોઉની લીડરશીપમાં કંપનીનો કારોબાર હોંગકોંગમાં જબરદસ્ત રીતે વધ્યો હતો. 2003માં મેંગ વાનઝોઉએ હુવેઈની આગેવાનીમાં ગ્લોબલ ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન બનાવ્યું. તેમણે હુવેઈમાં ઘણી ટોચની પોસ્ટ્સ પર કામ કર્યું.

અત્યારની વાત કરીએ તો મેંગ વાનઝોઉ કંપનીની ડેપ્યુટી ચેરમેન અને સીએફઓ છે. હુવેઈ 1.8 લાખ કર્મચારીઓની સાથે ચીનની સૌથી મોટી ખાનગી કંપની છે. 2017માં ફોર્બ્સે ચીનની ટોપ બિઝનેસ વુમનની યાદીમાં મેંગને આઠમા નંબરે રાખી હતી.

ગત દિવસોમાં મેંગ વાનઝોઉની કેનેડામાં ધરપકડ કરવામાં આવી હતી. ચીની કંપની હુવેઈ પર અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે તેમણે અમેરિકન પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું છે.