ભુજ, 6 ડિસેમ્બર, 2025ઃ Cow rescued in Bhuj ભુજ ગૌ સેવા સમિતિના જીવદયાપ્રેમીઓએ રેસ્ક્યુ ઓપરેશન કરીને એક અન્ય ગૌવંશનો જીવ બચાવ્યો છે. ભુજ શહેરી વિસ્તારમાં વિકસતાં ઠેરઠેર બિલ્ડીંગ કન્ટ્રકશન કામો ચાલતાં હોય છે અને તે માટે પાણી સગવડતા માટે બનાવાયેલા ખુલ્લા ટાંકામાં અઠવાડિયામાં બે થી ત્રણ અબોલા ચોપગાં માસૂમ જીવો પડી જાય છે.
આ સ્થિતિમાં સ્થાનિક જીવદયાપ્રેમીઓ ભુજ ગૌ સેવા સમિતિની ઈમર્જન્સી સેવાની મદદ લેતાં હોય છે. આ કિસ્સો નરનારાયણ નગર ત્રિમંદિર સામેના વિકસતાં એરીયામાં બન્યો હતો. બનાવની જાણ થતા ભુજ ગૌ સેવા સમિતિના ટ્રસ્ટી સચીનભાઈ ગણાત્રા દ્વારા ભુજ નગર સેવા સદનના જેસીબીની મદદ લઈ બે થી ત્રણ કલાકની સખ્ત મહેનત બાદ ગાયને હેમખેમ સુરક્ષિત બહાર કાઢી જીવતદાન બક્ષ્યું હતું.
આ બનાવ બન્યો એની નજીકમાં જ ભુજ એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફિસ આવેલી છે. એની જવાબદારી બને છે અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરની તથા એન્જિનિયરની અને ભુજ નગર સેવા સદનની પણ જવાબદારી બને છે કે તેઓએ આડસો મુકીને પછી જ બિલ્ડીંગ કન્ટ્રક્શન કામ ચાલુ કરવું જોઈએ. જ્યાં જ્યાં બિલ્ડીંગ કન્ટ્રક્શન કામો ચાલુ હોય ત્યાં ત્યાં દર અઠવાડિયે આ સંબંધિત તંત્રો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ ફરજીયાત પણે થવું જ જોઈએ જેથી અબોલા જીવોના જાનમાલ સુરક્ષિત રહે એવી ભુજ ગૌ સેવા સમિતિના સક્રિય સભ્યોએ વ્યથા ઠાલવી હતી. આ બાબતે કલેક્ટરે પણ ગંભીરતાથી નોંધ લઈ કડકાઈ પૂર્વકનો આદેશ કરવો જોઈએ.

