Site icon Revoi.in

ટ્રમ્પે જાહેર કર્યો નવો ઇમિગ્રેશન પ્લાન, કહ્યું- ગ્રીનકાર્ડ્સને ‘બિલ્ડ અમેરિકા’ વીઝાથી કરવામાં આવશે રિપ્લેસ

Social Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી મેરિટ અને પોઇન્ટ બેઝ્ડ ઇમિગ્રેશન પોલિસી જાહેર કરી છે જેમાં હાઇલી સ્કિલ્ડ વર્કર્સ માટે ક્વોટા વધારવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ પ્રવર્તમાન ગ્રીનકાર્ડ્સને ‘બિલ્ડ અમેરિકા’ વીઝાથી રિપ્લેસ કરી દેશે. દર વર્ષે યુએસ 1.1 મિલિયન ગ્રીનકાર્ડ્સ ઇસ્યુ કરે છે, જે વિદેશી નાગરિકોને યુએસમાં આજીવન રહેવા અને કામ કરવાની અને પાંચ વર્ષમાં યુએસનું નાગરિકત્વ મેળવવાની પરવાનગી આપે છે.

હાલ મોટાભાગના કાર્ડ્સ પારિવારિક જોડાણ અને ડાયવર્સિટી વીઝાના આધારે ઇસ્યુ કરવામાં આવ્યા છે અને એક નાનો હિસ્સો એવા લોકોને આપવામાં આવ્યો છે જેઓ પ્રોફેશનલ્સ છે અને હાઇલી સ્કિલ્ડ છે. ટ્રમ્પે કહ્યું કે તેમને તેમાં બદલાવ લાવવો છે અને તેમણે એક નવી પ્રપોઝલ સામે મૂકી છે.

વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મેજર ઇમિગ્રેશન પોલિસી અંગે સંબોધન કરતા ટ્રમ્પે કહ્યું, ‘અમારી પ્રપોઝલ અહીંયા વસતા લોકો માટેની અમારી પવિત્ર ફરજને પરિપૂર્ણ કરે છે તેમજ આવતીકાલે યુએસ આવનારા ઇગ્રન્ટ્સ માટે અમેરિકા એકદમ સ્વાગતપૂર્ણ દેશ રહે તે પણ સુનિશ્ચિત કરે છે. અમે અમારા દેશના દ્વાર ખુલ્લા રાખવા માંગીએ છીએ પરંતુ દેશમાં આવતા ઇમિગ્રન્ટ્સનો મોટો હિસ્સો મેરિટ અને સ્કિલ દ્વારા જ આવવો જોઇએ.’ વ્હાઇટ હાઉસના નવા પ્લાન પ્રમાણે દર વર્ષે આપવામાં આવતા ગ્રીનકાર્ડ્સની સંખ્યામાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે.

ટ્રમ્પે કહ્યું, ‘યુનાઇટેડ સ્ટેટ્સમાં આવવા માટે અમે એક સાદો અને યુનિવર્સલ ક્રાઇટેરિયા નક્કી કરીશું. તેનાથી અમારા દેશમાં આવતા ઇમિગ્રન્ટ્સની ડાયવર્સિટીમાં વધારો થશે. અમે પ્રવર્તમાન ગ્રીનકાર્ડ કેટેગરીઓને નવા વીઝાથી રિપ્લેસ કરીશું, ધ બિલ્ડ અમેરિકન વીઝા.’ ટ્રમ્પે કહ્યું કે કેનેડા અને અન્ય મોડર્ન દેશોની જેમ તેમનું એડમિનિસ્ટ્રેશન પણ ‘ઇઝી ટુ નેવિગેટ પોઇન્ટ બેઝ્ડ’ સિલેક્શન સિસ્ટમ ક્રિયેટ કરવા માંગે છે.

ટ્રમ્પે કહ્યું કે આ સિસ્ટમની ગેરહાજરીના લીધે અમેરિકા એવા લોકોને ગુમાવી બેસે છે જેઓ એક કંપની શરૂ કરવા માંગે છે અને કેટલાક કિસ્સાઓમાં તેમને દેશ છોડી જવા મજબૂર થવું પડે છે અને પોતાને દેશ પાછા જવું પડે છે. પરંતુ હવે તે લોકોને પોતાની કંપની અહીંયા અમેરિકામાં સ્થાપવાનો ચાન્સ મળશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, અમેરિકન નાગરિકોના હિતોની રક્ષા માટે ઇમિગ્રન્ટ્સે આર્થિક રીતે સદ્ધર હોવું અનિવાર્ય છે.

ટ્રમ્પે કહ્યું કે, છેલ્લે એકીકરણ, સામ્ય અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે ભવિષ્યના ઇમિગ્રન્ટ્સે અંગ્રેજી શીખવું પડશે અને યુએસમાં એડમિશન મળે તે પહેલા એક સિવિક એક્ઝામ પાસ કરવી પડશે. આ રીતે એક મજબૂત ઇમિગ્રેશન સિસ્ટમ બની શકશે અને અમારી સંસ્કૃતિ, અમારી પરંપરાઓ અને અમારા મૂલ્યોને પણ મજબૂતી મળશે.