Site icon Revoi.in

શ્રીલંકા: આતંકી ઠેકાણાઓ પર છાપામારીમાં એક હુમલાખોરે પોતાને ઉડાવ્યો, 6 બાળકો સહિત 15નાં મોત

Social Share

શ્રીલંકા પોલીસે સિરિયલ બ્લાસ્ટ સાથે જોડાયેલા શંકાસ્પદો વિરુદ્ધ ઓપરેશન તીવ્ર કરી દીધું છે. શનિવારે સુરક્ષાદળોએ બટ્ટીકલોઆમાં સિરિયલ બ્લાસ્ટની જવાબદારી લેનારા આતંકી સંગઠન આઇએસ અને નેશનલ તૌહીદ જમાત (એનટીજે) સાથે જોડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો. એક આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી પણ દીધો. તેમાં 15 લોકોનાં મોત થઈ ગયાં. મૃતકોમાં 6 બાળકો અને 3 મહિલાઓ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, 21 એપ્રિલના રોજ શ્રીલંકામાં થયેલા 8 ધમાકાઓમાં 253 લોકો માર્યા ગયા હતા. તેમાં 10 ભારતીયો સહિત 39 વિદેશી નાગરિકો સામેલ હતા.

શ્રીલંકા પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે ઘટનાસ્થળ પરથી 15 શબ મળ્યા છે. તેમાં 4 શંકાસ્પદ આત્મઘાતી હુમલાખોર પણ માર્યા ગયા છે. આ ઉપરાંત ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત શ્રીલંકાના સમ્મનથુરાઈ શહેરમાં પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. તેમાં બે આતંકીઓ માર્યા ગયા. એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું. 20 અન્ય લોકોની અટકાયત કરવામાં આવી છે.

બટ્ટીકલોઆમાં જ એક અન્ય ઠેકાણે છાપામારી દરમિયાન પોલીસને ઇસ્લામિક સ્ટેટના ઝંડા, મિલિટ્રીની વર્દી, સુસાઇડ જેકેટ, 150 જિલેટિનની છડીઓ, હજારો સ્ટીલ પેલેટ અને ડ્રોન કેમેરા મળ્યા. શુક્રવાર સાંજે જ સુરક્ષા પરિષદની બેઠકમાં અધિકારીઓએ ફેંસલો લીધો હતો કે આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ત્યા સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ખતરો સંપૂર્ણપણ ટળી નથી જતો.

શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ પછીથી જ લગભગ 10 હજાર સૈનિકો આતંકી ઠેકાણાઓ પર દરોડા પાડી રહ્યા છે. અત્યાર સુધી આશરે 100 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં પાકિસ્તાની નાગરિકોનું એક ગ્રુપ પણ સામેલ છે. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ શુક્રવારે કહ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા 140 શંકાસ્પદોની શોધ કરવામાં આવી રહી છે.