Site icon Revoi.in

EDએ કરી નીરવ મોદી-મેહુલ ચોક્સીની 12 લક્ઝરી કારની હરાજી, રોલ્સ રોયસ અને પોર્શ પણ હતી સામેલ

Social Share

પીએનબી કૌભાંડનો આરોપી ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીની 12 લક્ઝરી કારોની હરાજી પૂરી થઈ ગઈ. તમામ કારોની હરાજી ગુરૂવારે સરકારી કંપની એમએસટીસીની વેબસાઈટના માધ્યમથી કરવામાં આવી. હરાજી કરવામાં આવેલા કારોમાં 10 નીરવ મોદી ગ્રુપની અને 2 મેહુલ ચોક્સી ગ્રુપની છે. તેમાં એક રોલ્સ રોયસ અને એક પોર્શ કાર પણ સામેલ છે. આ ઇ-ઓક્શન એમએસટીસીએ ઇડી તરફથી કર્યું. નીરવની એક ટોયોટા કારનો કોઈ ખરીદાર નથી મળ્યો.

સરકારી કંપની એમએસટીસીની વેબસાઈટ પર બોલી કરવા માટેની શરતો પ્રમાણે, બોલીકર્તાએ હરાજીમાં હિસ્સો લેવા માટે લિસ્ટેડ બેઝ પ્રાઈસના 5 ટકા રકમ એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવાની હતી. જે કારોને હરાજી માટે પસંદ કરવામાં આવી તે બધાની બેઝ પ્રાઇસ આશરે 3 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. રોલ્સ રોયસની બેઝ પ્રાઇસ 1.33 કરોડ અને હોંડા બ્રિયોની 2.38 લાખ રૂપિયા હતી.

ઇડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કારોની સૌથી ઊંચી બોલીનું ડ્યુ ડિલિજન્સ પૂરું કર્યા પછી આ વિશે અધિકૃત જાણકારી આપવામાં આવશે. તેમાં હજુ સમય લાગી શકે છે. બોલી સ્વીકારવાની જાણકારી ઇડી પત્ર દ્વારા આપશે. આ પહેલા ઇડીએ નીરવ મોદીની જપ્ત કરવામાં આવેલી પેઇન્ટિંગ્સની હરાજી કરી હતી.

ઉલ્લેખનીય છે કે નીરવ મોદીને શુક્રવારે લંડનની કોર્ટે રિમાન્ડ પર સુનાવણી માટે જેલમાંથી વીડિયોલિંક દ્વારા હાજર કરવામાં આવશે. નીરવ મોદીને માર્ચમાં અરેસ્ટ કરવામાં આવ્યો હતો, તેને લંડનની વેન્ડ્સવર્થ જેલમાં રાખવામાં આવ્યો છે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં વીડિયોલિંક દ્વારા તેને હાજર કરવામાં આવશે. તેની જામીન અરજી મુખ્ય મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટે 29 માર્ચના રોજ એ આધારે ફગાવી દીધી હતી કે એ વાતનું ઘણું જોખમ છે કે તે સરન્ડર નહીં કરે.