Site icon Revoi.in

શેરબજારે વધાવ્યા એક્ઝિટ પોલના અંદાજો, સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 250 પોઇન્ટ્સનો ઉછાળો, રૂપિયો પણ મજબૂત

Social Share

2019ની લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી ગઈકાલે વિવિધ એજન્સીઓએ એક્ઝિટ પોલ્સ રજૂ કર્યા હતા. તેમાંના મોટાભાગના એક્ઝિટ પોલ્સે કહ્યું છે કે એનડીએને સ્પષ્ટ બહુમત મળશે. ત્યારે એક્ઝિટ પોલ્સના આ અંદાજને આજે સવારે શેરબજારે વધાવી લીધા છે. આજે બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી છે. ડોલર સામે રૂપિયો 61 પૈસા વધીને 69.61ની સપાટીએ પહોંચી ગયો છે.

નિફ્ટીમાં માર્ચ 2016 પછી આ સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી ઈન્ટ્રા-ડેમાં 3 વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. લીડ શેરોની સાથે આજે મિડ અને સ્મોલ કેપ શેરોમાં પણ તેજી જોવા મળી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 2.33 ટકા વધીને 14,641ની સપાટીએ જોવા મળ્યો હતો. જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ 2.01 ટકા વધીને 14,165.86ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં પણ તેજી જોવા મળી છે. બીએસઈના ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં 2.92 ટકાનો વધારો જોવા મળ્યો છે.

પીએસયુ અને પ્રાઈવેટ બેન્ક શેરમાં સારી મજબૂતીના કારણે બેન્ક નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીના પીએસયુ બેન્ક ઈન્ડેક્સ 4.35 ટકા ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સમાં 2.41 ટકાની તેજી સાથે વેપાર કરી રહ્યા છે. પ્રાઈવેટ બેન્ક શેરમાં તેજીના કારણે બેન્ક નિફ્ટી અંદાજે 2.52 ટકાની તેજી સાથે 30,193ની સપાટીએ જોવા મળ્યો હતો.

આજના વેપારમાં રિયલ્ટી, ફાર્મા, ઓટો, એફએમસીજી, મેટલ શેરમાં ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટીનો રિયલ ઈન્ડેક્સ 3.13 ટકા, ફાર્મા ઈન્ડેક્સ 0.54 ટકા, ઓટો ઈન્ડેક્સ 2.25 ટકા, એફએમસીજી ઈન્ડેક્સ 0.51 ટકા અને મેટલ ઈન્ડેક્સ 0.30 ટકાની તેજી સાથે વેપાર કરી રહ્યા છે.