Site icon Revoi.in

અક્ષય કુમારે લીધો મોદીનો ઇન્ટરવ્યુ, PMએ કહ્યું- ગુલામ નબી સારા દોસ્ત, મમતા દીદી મોકલે છે મારા માટે કુર્તાઓ

Social Share

અભિનેતા અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમના આવાસ 7, લોકકલ્યાણ માર્ગ પર ઇન્ટરવ્યુ લીધો. બુધવારે આ ઇન્ટરવ્યુને ટેલિકાસ્ટ કરવામાં આવ્યો. અક્ષયે પૂછ્યું- તમે મારી જેમ માતાની સાથે કેમ નથી રહેતા? ત્યારે મોદીએ કહ્યું- હું બહુ નાની ઉંમરમાં જ ઘર-પરિવાર છોડી ચૂક્યો છું. અન્ય નેતાઓ સાથેના પોતાના સંબંધો પર મોદીએ કહ્યું કે મમતા દીદી વર્ષમાં એક-બે વાર મને પોતે કુર્તાઓ પસંદ કરીને મોકલી આપે છે.

અક્ષય કુમારે સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું કે તે કંઇક અનોખું કરવા જઈ રહ્યો છે જે તેણે પહેલા ક્યારેય નથી કર્યું. બીજા જ દિવસે તેણે આ વાતનો ખુલાસો પણ કરી દીધો. મંગળવારે તેણે ટ્વિટમાં જણાવ્યું કે બુધવારે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખુલીને અને એકદમ બિનરાજકીય અંદાજમાં વાતચીત કરશે. અક્ષયે લખ્યું, “જ્યારે આખો દેશ ચૂંટણી અને રાજકારણ પર ચર્ચા કરી રહ્યો છે ત્યારે આ એક રાહત આપનારો ઇન્ટરવ્યુ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત સંપૂર્ણપણે બિનરાજનૈતિક અને સ્પષ્ટ હશે.”

તેના જવાબમાં મોદીએ ટ્વિટ કરી, “પ્રિય અક્ષય કુમાર, તમારી સાથે દરેક પાસા પર વાતચીત કરીને સારું લાગ્યું. આશા છે કે આપણી વાતચીત સાંભળીને લોકોને આનંદ આવશે.”

વિપક્ષી નેતાઓ સાથે દોસ્તી વિશે જણાવતા પીએમ મોદીએ કહ્યું, “અમે લોકો વર્ષમાં એક-બે વાર સાથે બેસીને જમીએ પણ છીએ. ખેર, તે ફોર્મલ હોય છે. બહુ પહેલાની વાત છે. ત્યારે તો હું સીએમ પણ ન હતો. ત્યારે કોઈ કામથી હું પાર્લામેન્ટ ગયો હતો. ત્યાં ગુલામ નબી આઝાદ અને હું ઘણા દોસ્તાના અંદાજમાં ગપ્પા મારી રહ્યા હતા. પછી અમે બહાર નીકળ્યા, મીડિયાવાળાઓએ અમને પૂછ્યું- અરે તમે લોકો આ રીતે કેવી રીતે વાત કરી રહ્યા છો, તમે તો આરએસએસ વાળા છો. ગુલામ નબી આઝાદ સાથે તમારી દોસ્તી કેવી રીતે થઈ ગઈ. પછી ગુલામ નબીએ સારો જવાબ આફ્યો. અમે બંને ત્યાં જ ઊભા હતા. તેઓ બોલ્યા- જુઓ ભાઈ, બહાર તમે લોકો જેવું વિચારો છો તેવું નથી. કદાચ અમે લોકો પરિવાર તરીકે જેટલા જોડાયેલા છે, તમામ પક્ષના લોકો, તે કદાચ તમે વિચારી નથી શકતા.”

મોદીએ રાજકીય લોકો સાથે પોતાના સંબંધો વિશે જાણકારી આપતા કહ્યું, “તમને આશ્ચર્ય થશે. તેનાથી કદાચ ચૂંટણીમાં મને નુકસાન થશે. પરંતુ મમતા દીદી વર્ષમાં આજે પણ મારા માટે એક-બે કુર્તા મોકલી આપે છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાજી વર્ષમાં 3-4 વખત ખાસ ઢાકાથી મિઠાઈ મોકલે છે. મમતા દીદીને જાણ થાય તો તેઓ પણ વર્ષમાં એક-બે વાર મિઠાઈ જરૂરથી મોકલી આપે છે.”

એક સવાલ પર વડાપ્રધાન મોદીએ કહ્યું, “મારા માટે ક્યારેય કોઈ એમ કહેશે કે મને ગુસ્સો આવે છે તો એ સરપ્રાઇઝ હશે. આનંદ, નારાજગી અને ગુસ્સો આ બધું જીવનનો હિસ્સો છે. હું કડક છું, અનુશાસિત છું પરંતુ ક્યારેય કોઈને નીચું દર્શાવવાનું કામ નથી કરતો.” આ જ રીતે વડાપ્રધાન બનવાના સવાલ પર તેમણે કહ્યું, “ક્યારેય મારા મનમાં વડાપ્રધાન બનવાનો વિચાર નથી આવ્યો અને સામાન્ય લોકોના મનમાં આ વિચાર આવતો પણ નથી. અને મારું જે ફેમિલિ બેકગ્રાઉન્ડ છે તેમાં મને કોઈ નાની નોકરી મળી જાત તો મારી મા તેમાં જ આખા ગામને ગોળ ખવડાવી દેત.”

જ્યારે અક્ષય કુમારે પૂછ્યું કે સીએમમાંથી પીએમ બન્યા તો આ ઘરમાં સૌથી વેલ્યુએબલ ચીજ શું લાવ્યા હતા? તેના જવાબમાં મોદીએ કહ્યું કે કદાચ આ પહેલા બીજા વડાપ્રધાનોને આ લાભ નથી મળ્યો જે મને મળ્યો છે. તે એ છે કે હું લાંબા સમય સુધી મુખ્યમંત્રી બનીને આવ્યો. હું ગુજરાતનો સૌથી લાંબા સમય સુધીનો મુખ્યમંત્રી રહ્યો હતો. આ અનુભવ કદાચ કોઈને નથી મળ્યો. દેવેગોડા સાહેબ મુખ્યમંત્રી હતા, પરંતુ ઓછા સમય માટે. હું માનું છું કે આ ચીજ હું ત્યાંથી લઈને આવ્યો જે દેશના કામમાં આવી રહી છે.