Site icon Revoi.in

પાકિસ્તાનમાં વિભાજન બાદ પહેલીવાર ખુલ્યું 1000 વર્ષ જૂનું શ્વાલા તેજા સિંહ હિંદુ મંદિર

Social Share

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના સિયાલકોટમાં 1000 વર્ષ જૂનું હિંદુ મંદિર વિભાજન બાદ પહેલીવાર પૂજા માટે ખોલવામાં આવ્યું છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું છે કે સ્થાનિકોની માગણી બાદ તેને ખોલવામાં આવ્યું છે. દિવંગત લેખક રાશિદ નિયાજ દ્વારા લખવામાં આવેલા પુસ્તક હિસ્ટ્રી ઓફ સિયાલકોટ પ્રમાણે, આ મંદિર એક હજાર વર્ષ જૂનું છે અને લાહોરથી 100 કિલોમીટરના અંતરે આવેલા શહેર ધારોવાલ ક્ષેત્રમાં છે.

આ મંદિરનું નામ શ્વાલા તેજા સિંહ મંદિર છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના પવિત્ર સ્થાનોની દેખરેખ કરનારી ઈવેક્યૂ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડે સ્થાનિક હિંદુ સમુદાયની માગણી પર ભારત અને પાકિસ્તાનના વિભાજન બાદ પહેલીવાર મંદિરનો દરવાજો ખોલ્યો છે. તેમણે કહ્યુ છે કે પહેલા આ ક્ષેત્રમાં હિંદુ ધર્મ સાથે સંબંધ ધરાવતા લોકો રહેતા ન હતા. તેથી આ મંદિર બંધ હતું.

તેમણે કહ્યુ છે કે 1992માં બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ આ મંદિર પર હુમલો થયો હતો અને તે આંશિકપણે ક્ષતિગ્રસ્ત થયું હતું. પાકિસ્તાનમાં હિંદુ સમુદાય સૌથી મોટો લઘુમતી સમુદાય છે. સત્તાવાર આંકડા પ્રમાણે, અહીં અંદાજે 75 લાખ હિંદુઓ રહે છે. પરંતુ આ સમુદાયની સંસ્થાના દાવા મુજબ, પાકિસ્તાનમાં હજીપણ 90 લાખથી વધારે હિંદુઓ વસવાટ કરે છે.