Site icon Revoi.in

સ્ત્રી પુરુષ સમોવડી છે કે નહીં? પણ સ્ત્રી-પુરુષ એક સમાન અને એક જ શક્તિ છે

Social Share

વિજય. ઠાકર

એક ફેસબૂક ગ્રૂપમાં કોઇ વ્યક્તિએ “સ્ત્રીને પુરુષ સમોવડી ગણવા માટેના ઉપાયો દર્શાવો” નામની પોસ્ટ અપલોડ કરી, જેના પર અનેક પ્રકારની વ્યર્થ, કેટલીક અલગ તો કેટલીક આપત્તિજનક કમેન્ટ્સ લોકોએ કરી. તેમાં મોટા ભાગે બે ભાગ જોવા મળ્યા. એક વર્ગની વિચારધારા એવી હતી કે સ્ત્રી તો પુરુષથી મહાન જ હોય છે તો પછી તેને પુરુષ સમોવડીના સ્તર પર લાવવાનો કે તેના વિશે ચર્ચા કરવાનો અર્થ શું? બીજા વર્ગે એવો સૂર વ્યક્ત કર્યો કે પુરુષ અને સ્ત્રીના કાર્યો અલગ અલગ છે, બંનેની શારીરિક ક્ષમતા અલગ અલગ છે, અંગ રચના અલગ છે, તો પછી બંનેને સમાન કે બરાબર કઇ રીતે ગણી શકાય?

જ્યારે સ્ત્રી પુરુષ સમાનતાનો વિષય હોય કે વાત હોય ત્યારે દરેક વ્યક્તિના મંતવ્યમાં એક દંભ પ્રતિત થતો હોય છે. સ્ત્રી પુરુષ કરતાં મહાન જ છે એવું આપણે સમજીએ છીએ તો શું આપણે ખરા અર્થમાં સ્ત્રીને આપણાથી મહાન સમજીને તેની મહિમા ગાઇએ છીએ? જો સ્ત્રી પુરુષ કરતાં મહાન જ છે તો શું ઘરમાં, માં, બહેન, પત્ની, પુત્રી, ભાભી, ભત્રીજી, નાની, કાકી, સાળી એવા દરેક સંબંધોમાં તેઓને જોઇને આપણે ઉભા થઇને આ દરેકને નમન કરીએ છીએ?, નમન નથી કરતા તો શું તેઓનું સન્માન એક જ સ્તર પર કરીએ છીએ કે શું? એવું તો ના બની શકે. આપણે માંના ચરણ સ્પર્શ કરીએ છીએ પણ આપણી પુત્રી આપણા ચરણ સ્પર્શ કરે છે. ભાભી આપણાથી મોટા હોય તો તેને આપણે માં સમાન ગણીએ છીએ અને નાના ભાઇની પત્ની હોય તો તેને આપણે બહેન સમાન ગણીએ છીએ. જો સાળી મોટી હોય તો મોટી બહેન નાની હોય તો નાની બહેન, જો 10 કે 15 વર્ષ નાની હોય તો પુત્રી માનીએ છીએ અને તેઓનું સન્માન એ  જ રીતે કરીએ છીએ જે રીતે આપણે મોટી બહેન, નાની બહેન અને પુત્રીનું કરીએ છીએ.

આપણે સીતા, પાર્વતી, દુર્ગા, સાવિત્રી, મંદોદરી, દ્રૌપદી, રાણી લક્ષ્મીબાઇ જેવી અનેક સ્ત્રીઓને માતૃ સ્વરૂપ અથવા શક્તિ સ્વરૂપ માનીને તેમનું પૂજન-અર્ચન તેમજ સ્મરણ કરીને તેમને સન્માનિત કરીએ છીએ તો બીજી તરફ આપણે સૂર્પન્ખા, પૂતના, કૈકેયી કે મંથરાને નફરત કરીએ છીએ. સીતા પણ સ્ત્રી છે અને કૈકેયી પણ સ્ત્રી છે, પરંતુ આપણા માટે સીતા મહાન છે પરંતુ કૈકેયી સ્ત્રી હોવા છત્તાં મહાન નથી. જો સ્ત્રી માત્ર સ્ત્રી હોવાને કારણે મહાન હોય છે તો આપણે આપણી પુત્રીના ચરણ ધોઇને ચરણામૃત લઇએ અને કૈકેયી, મંથરા અને પૂતના વગેરે સ્ત્રીઓનું પણ પૂજન કરીએ. પરંતુ આપણે તેવું નથી કરતા.

મૂળ સ્વરૂપે જોઇએ તો મનુષ્યને સ્ત્રી કે પુરુષના પલડામાં તોલીને કે માપીને જોવું એ એક ખોટી ધારણાને જન્મ આપે છે. કારણ કે સ્ત્રી સ્ત્રી છે એટલે જ મહાન કે નિમ્ન છે અથવા પુરુષ પુરુષ છે માટે મહાન કે નિમ્ન છે એ વિચાર માત્ર ખોટી દિશામાં જતો વિચાર છે. સ્ત્રી અને પુરુષ અલગ છે અને એકબીજાની સ્પર્ધા અથવા આધિપત્યમાં હોય છે એ એક પશ્વિમી વિચારધારા છે. આ માપદંડ પણ પશ્વિમી છે. મહારાણા પ્રતાપ, શિવાજી કે પછી સમ્રાટ અશોક એ બધા બાળક હતા ત્યારે માતાની કોખમાં જ સુરક્ષા મેળવતા હતા. દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને સ્વ.ઇન્દિરા ગાંધી પણ પોતાના પિતા જવાહરલાલ નહેરુની આંગળી પકડીને ચાલવાનું શીખ્યા હતા.

મનુષ્ય હોય કે પછી કુદરત આપણે તેના ગુણના આધારે તેને સારા કે મહાન સમજીએ છીએ. નારિયળના વૃક્ષથી લીમડાનું વૃક્ષ ઊંચાઇમાં ઓછું હોવા છત્તાં તે આપણને શીતળ છાયા આપતું હોવાથી આપણે લીમડાના વૃક્ષને પસંદ કરીએ છીએ. એ જ રીતે સ્ત્રી હોય કે પુરુષ, તેઓને તેમના કર્મ અને સદગુણના આધાર પર જ તેને માપવામાં આવે છે. ગુણ, કર્મ અને કર્તવ્ય જ વ્યક્તિની મહાનતાનું માપદંડ છે.

આપણે ત્યાં સ્ત્રી અને પુરુષને એકબીજાથી વિરુદ્વ નહીં પરંતુ એકસાથે એકજુટ જોવાની પરંપરા છે. આપણે ત્યાં શિવ છે શક્તિ પણ છે, પુરુષ છે તો પ્રકૃતિ પણ છે. શું આપણે શિવની શક્તિથી અલગ કલ્પના કરી શકીએ છીએ? એ જ રીતે પ્રકૃતિની કલ્પના પુરુષ વગર કરવી શક્ય છે? આપણી ભારતીય વિચારધારા સ્ત્રી અને પુરુષમાં વિભાજીત નથી. આપણે મનુષ્ય અથવા તેનાથી પણ આગળ પ્રાણી માત્ર અથવા તેનાથી પણ આગળ જીવ માત્રની વાત કરીએ છીએ. જીવ માત્રથી પણ આગળ આપણે આત્મા વિશે વાત કરીએ છીએ, પરમાત્મા વિશે વાત કરીએ છીએ. જ્યારે આપણે આત્મા તેમજ પરમાત્માની વાત કરીએ છીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે એ બંને ના તો પરસ્પર વિરોધી છે ન તો પરસ્પર પૂરક છે, એ તો એક જ છે. આ જ વાત આપણને અર્ધ નારીશ્વરમાં પણ નજર આવે છે અને પ્રતિત થાય છે.

(સંકેત)