Site icon Revoi.in

ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના નાના ભાઈ પ્રમોદની 19 કરોડ રૂપિયાની ઠગાઈની આશંકામાં ધરપકડ

Social Share

બોસ્નિયા: ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના નાના ભાઈ 57 વર્ષીય પ્રમોદ મિત્તલની 19.32 કરોડ રૂપિયાની છેતરપિંડીની આશંકામાં બુધવારે યુરોપ ખાતે ધરપકડ કરવામાં આવી છે. બુધવારે જ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લુકાવાસના ઉત્તર-પૂર્વ કસબામાં કોકિંગ પ્લાન્ટ જીઆઈકેઆઈએલ સાથે સંબંધિત ફ્રોડના મામલામાં મિત્તલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એક હજાર કર્મચારીઓવાળા કોકિંગ પ્લાન્ટનું સંચાલન પ્રમોદ મિત્તલ 2003થી કરી રહ્યા છે. તેઓ જીઆઈકેઆઈએલના સુપરવાઈઝરી બોર્ડના પ્રેસિડેન્ટ છે. તેમના ઉપર પ્રભાવનો ખોટો ઉપયોગ કરવાનો પણ આરોપ છે. ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે.

કંપનીના જનરલ મેનેજર પરમેશ ભટ્ટાચાર્ય અને સુપરવાઈઝરી બોર્ડના એક અન્ય સદસ્યની પણ ધરપકડ કરવામાં આવી છે. બોસ્નિયાના સરકારી વકીલ કૈઝિમ સેરહેટલિક પ્રમાણે આ મામલામાં દોષ સાબિત થવા પર 45 વર્ષ સુધીની સજા થઈ શકે છે. સેરહેટલિકે કહ્યુ છે કે આ સંગઠિત અપરાધિક ગ્રુપ સાથે સંબંધિત ચોથા વ્યક્તિ વિરુદ્ધ પણ ધરપકડ વોરંટ જાહેર થઈ ચુક્યું છે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે, પ્રમોદ મિત્તલ અને અન્ય લોકો પર 28 લાખ ડોલર એટલે કે અંદાજે 19.32 કરોડ રૂપિયાની હેરાફેરીની આશંકા છે. આ વર્ષે માર્ચમાં પ્રમોદને મોટાભાઈ લક્ષ્મી મિત્તલે 1600 કરોડ રૂપિયા આપીને ભારતમાં આપરાધિક કાર્યવાહીથી બચાવ્યા હતા. પ્રમોદ પર સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનના 2210 કરોડ રૂપિયા લેણાના બાકી હતા.