Site icon Revoi.in

ઈરાનમાં રિવોલ્યૂશનરી ગાર્ડે અમેરિકન ડ્રોનને તોડી પાડયું

Social Share

તહેરાન: અમેરિકા અને ઈરાનના સંબંધોમાં કડવાશ વધે તેવી શક્યતાઓ આકાર લઈ ચુકી છે. ઈરાનની સમાચાર એજન્સી પ્રમાણે, રિવોલ્યૂશનરી ગાર્ડે અમેરિકન ડ્રોનને ગોળી મારીને તોડી પાડયુ છે. જો કે આ ઘટના પર અમેરિકાની સેનાએ તાત્કાલિક પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો છે.

ન્યૂઝ એજન્સી એપી પ્રમાણે, આરક્યૂ-4 ગ્લોબલ હોક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. આ પહેલા અમેરિકાની સેનાએ ઓમાનની ખાડીમાં 13મી જૂને ઓઈલના બે ટેન્કરો પર હુમલા માટે ઈરાન પર આરોપ લગાવ્યો હતો. જો કે ઈરાને આ આરોપોને રદિયો આપ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષ મે માસમાં પરમાણુ કરારથી અમેરિકાને અલગ કરી દીધું હતું અને ઈરાન પર ઊર્જા તથા આર્થિક પ્રતિબંધ ફરીથી લગાવી દીધા હતા. તેના પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. તો બુધવારે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ બ્રાયન હુકે કહ્યુ હતુ કે મધ્યપૂર્વમાં અમેરિકા દ્વારા ઉઠાવવામાં આવેલા તાજેતરના પગલા સંરક્ષાત્મક છે. વોશિંગ્ટન તહેરાનની સાથે વ્યાપક અને સ્થાયી કરાર ચાહે છે.

ન્યૂઝ એજન્સી સિન્હુઆએ કહ્યુ છે કે હુકે સંસદમાં સુનાવણી દરમિયાન કહ્યુ છે કે કોઈને પણ શાંતિ માટે અમારી ઈચ્છા અથવા સંબંધોને સામાન્ય કરવા માટે અમારી તત્પરતા પર સંશય હોવો જોઈએ નહીં. હુકે વિદેશ મામલાની હાઉસ કમિટીને જણાવ્યુ છે કે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલું દબાણ અભિયાન અસરકારક રહ્યુ છે. તેનો ઉદેશ્ય ઈરાનની મહેસૂલ સમાપ્ત કરવી અને તેને વાતચીત માટે મજબૂર કરવાનો છે.

ઈરાનના ખતરાના બહાને અમેરિકા ગત કેટલાક સપ્તાહોથી ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં સેનાની તેનાતી કરી ચુક્યું છે. પેન્ટાગને સોમવારે મધ્ય એશિયામાં અન્ય 1000 સૈનિકોને તેનાત કરવાની ઘોષણા કરી હતી. વોશિંગ્ટન અને તહેરાન વચ્ચે તણાવ ગત સપ્તાહે ઓમાનની ખાડીમાં ઓઈલના બે ટેન્કરો પરના હુમલા અને ઈરાનની 2015ની પરમાણુ સંધિને નહીં માનવાની ધમકી બાદ વધી ગયો છે.

અમેરિકાની સાથે વધેલા તણાવ પર ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રુહાનીએ ફરી એકવાર કહ્યુ છે કે તેમનો દેશ કોઈપણ દેસની સાથે યુદ્ધ ઈચ્છતો નથી. તેમમે જો કે ભારપૂર્વક કહ્યુછે કે તેમની વિરુદ્ધ થનારા કોઈપણ યુદ્ધમાં અંતમાં ઈરાન જ જીતશે. રુહાનીએ કહ્યુ છે કે ઈરાન કોઈની પણ સાથે યુદ્ધ છેડશે નહીં. જે તેમની સામે છે તે ઓછા અનુભવવાળા રાજનીતિજ્ઞોનો એક સમૂહ છે.

ઈરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યુ છે કે ક્ષેત્રમાં અમેરિકાની તમામ કોશિશો, દુનિયાભરમાંથી અમારી સમજૂતી તોડવાની તેની મનસા અને દુનિયબારમાં ઈરાનને અલગ કરવાની ઈચ્છા છતાં તે અસફળ રહ્યું છે.

પ્રેસ ટીવીના રિપોર્ટ પ્રમાણે, રુહાનીનું આ નિવેદન અમેરિકાના સંરક્ષણ સચિવ પેટ્રિક શેનાહન દ્વારા મધ્યપૂર્વમાં વધુ એક હજાર સૈનિકોની તેનાતી કરવાની ઘોષણાના બીજા દિવસે આવ્યું હતું.