Site icon Revoi.in

શ્રીલંકામાં ખ્રિસ્તીઓ પર હુમલા બાદ ISISનો ચીફ બગદાદી પાંચ વર્ષે ફરી એકવાર વીડિયોમાં દેખાયો

Social Share

ખિલાફતનું એલાન કર્યાના પાંચ વર્ષ બાદ પહેલીવાર ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસનો ચીફ અને ગ્લોબલ ટેરરિસ્ટ અબુ બકર અલ બગદાદી કેમેરાની સામે દેખાયો છે.

સોમવારે સાંજે આઈએસઆઈએસના પ્રોપેગેન્ડા મિકેનિઝમના ભાગ એવા અલ-ફુરકાન દ્વારા બગદાદીનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં 47 વર્ષીય બગદાદી ઘરડો અને સફેદવાળ ધરાવતો દેખાય છે. પરંતુ તે સાપેક્ષપણે ખાસો સ્વસ્થ દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં અબુ બકર અલ બગદાદી લગભગ 18 મિનિટ બોલતો દેખાય છે, તેમા તેણે તાજેતરમાં આઈએસના ધ્વસ્ત થવાની ઘટનાઓ પર વાતચીત કરી છે. આ વીડિયોમાં બગદાદી અને તેના આતંકવાદોના શસ્ત્રો પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

બગદાદીની આસપાસ આઈએસઆઈએસના અન્ય આતંકવાદીઓ પોતાના ચહેરા ઢાંકીને બેઠેલા દેખાય છે.

સીરિયામાં આઈએસના છેલ્લા ગઢ બાગહોઝની લડાઈમાં હાર્યા બાદ ઈસ્લામિક ખિલાફતનો વીડિયોમાં બગદાદી ઉલ્લેખ કરતો જોવા મળે છે. બગદાદી પોતાના સંબોધનની શરૂઆતમાં સ્પષ્ટતા કરે છે કે તેને બાગહોઝની લડાઈના પૂર્ણ થવાની જાણકારી છે અને તેણે તેમા હારના બદલા માટે ઉશ્કેરણી પણ કરી રહ્યો છે.

આઈએસઆઈએસના સરગના અબુ બકર અલ બગદાદીએ ઈસ્લામિક સ્ટેટની ખિલાફતના સાકાર સ્વરૂપના અંતની વાત પણ પોતાના સંબોધનમાં કરી છે અને તેની સાથે તાજેતરમાં શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાઓના વખાણ પણ કર્યા છે. શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા આતંકી હુમલામાં ચર્ચો અને હોટલોને નિશાન બનાવવામાં આવી હતી. તેમાં 259 લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય 500 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બગદાદીએ કહ્યુ છે કે આઈએસઆઈએસ હવે ઘર્ષણમય યુદ્ધમાં છે.

2015માં અહેવાલ આવ્યો હતો કે બગદાદી અમેરિકાના નેતૃત્વવાળી ગઠબંધન સેનાના હુમલામાં ગંભીરપણે ઘવાયો હતો. તેને ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરની પણ બીમારી છે.

કેટલાક સમય માટે એવી અફવા પણ ફેલાઈ હતી કે અબુ બકર અલ બગદાદી માર્યો ગયો છે અને તેવું આઈએસઆઈએસના આતંકીઓ પણ માનતા હતા. માનવામાં આવતું હતું કે આઈએસના આતંકીઓના વિચારધારાત્મક નેતાના તેમને છોડીને ચાલ્યા જવાને કારણે તેમની વધુમાં વધુ હાર થવા લાગી હતી.

બગદાદી છેલ્લે 2014ના વાઈરલ વીડિયોમાં જોવા મળ્યો હતો. ત્યારે તે ઈરાકના મોસુલની અલ-નુરી મસ્જિદમાં ભાષણ આપી રહ્યો હતો. 2014માં મોસુલમાં ઈરાકી સેનાની હાર અને આઈએસઆઈએસની જીત બાદ બગદાદીનો વીડિયો સામે આવ્યો હતો.