Site icon Revoi.in

વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની બ્રિટિશ પોલીસે કરી ધરપકડ

Social Share

વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએફપી પ્રમાણે, તેને બ્રિટિશ પોલીસે એરેસ્ટ કર્યો છે. મીડિયા અહેવાલ મુજબ, અસાંજેને ઈક્વાડોર દૂતાવાસમાંથી પકડવામાં આવ્યો છે. અહીં તેને 2012માં આશ્રય મળ્યો હતો. અસાંજેએ ત્યારે દાવો કર્યો હતો કે જો તેને સ્વીડનને પ્રત્યાર્પિત કરવામાં આવશે, તો અમેરિકા તેની ધરપકડ કરી લેશે.

મેટ પોલીસને ટાંકીને આવેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે અસાંજેએ કોર્ટમાં સરન્ડર કર્યું નથી. માટે તેને એરેસ્ટ કરવો પડયો છે. ઈક્વાડોરના રાષ્ટ્રપ્રમુખ લેનિન મોરેનોએ જણાવ્યુ છે કે તેમના દેશે અસાંજેને આપેલો આશ્રય પાછો લઈ લીધો હતો. વિકીલીક્સ તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે ઈક્વાડોરે ખોટી રીતે અસાંજેને આપેલો આશ્રય પાછો લઈ લીધો છે.

ગૃહ સચિવ સાજિદ જાવેદે ટ્વિટ કરીને કહ્યુ છે કે જૂલિયન અસાંજે હાલ પોલીસની કસ્ટડીમાં છે અને બ્રિટિશ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યો છે. હું ઈક્વાડોરને તેના સહયોગ અને યુકેની મેટ પોલીસનો ધન્યવાદ અદા કરું છું. કાયદાથી વધીને કંઈપણ નથી. 47 વર્ષીય અસાંજેએ દૂતાવાસ છોડવાથી ઈન્કાર કર્યો હતો. તેમનો દાવો હતો કે જો આમ થયું, તો તેને અમેરિકા લઈ જઈને વિકીલીક્સની ગતિવિધિઓ બાબતે પુછવામાં આવશે.

સ્કોટલેન્ડ યાર્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે રાજદ્વારી દ્વારા દૂતાવાસ પર બોલાવવામાં આવ્યા હતા, તેના પછી ઈક્વાડોરની સરકારે તેને આપેલો આશ્રય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. અહેવાલોનું માનીએ તો અસાંજે હાલ સેન્ટ્લ લંડનના પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં છે. બાદમાં તેને વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.