Site icon Revoi.in

થાઇલેન્ડના 66 વર્ષના રાજાએ પોતાની પર્સનલ બોડીગાર્ડ સાથે કર્યા ચોથા લગ્ન, પહેલેથી જ છે 7 બાળકો

Social Share

થાઇલેન્ડના રાજા વાજીરાલોંગ્કોર્ને પોતાના રાજતિલક પહેલા જ એક એવું જબરદસ્ત પગલું ઉઠાવ્યું છે કે જેની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. વાત એમ છે કે વાજીરાલોંગ્કોર્ને પોતાના પર્સનલ સુરક્ષા ગાર્ડ્સના ડેપ્યુટી કમાન્ડર સાથે લગ્ન કરી લીધા છે. બુધવારે લગ્ન પછી રાજપરિવાર તરફથી એક અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું. આ લગ્ન પછી વાજીરાલોંગ્કોર્નની પત્ની સુથિદાને રાણીની પદવી મળી ગઈ છે. લગ્નને લઇને જાહેર થયેલા શાહી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “રાજા વાજીરાલોંગ્કોર્ને જનરલ સુથિદા વાજીરાલોંગ્કોર્ન ના અયુધ્યાને તેમની શાહી પત્ની, રાણી સુથિદા તરીકે પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે અને તેઓ શાહી ખિતાબ અને શાહી પરિવારના હિસ્સા તરીકે દરજ્જો ધરાવશે.”

રાજા પહેલા કરી ચૂક્યા છે ત્રણ લગ્નો અને ત્રણ તલાક

ઉલ્લેખનીય છે કે 66 વર્ષના વાજીરાલોંગ્કોર્નને તેમના પિતા ભૂમિબોલ અદુલયાદેજના ઓક્ટોબર 2016માં થયેલા મોત પછી સમ્રાય બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. વાજીરાલોંગ્કોર્નના પિતાએ 70 વર્ષ સુધી સિંહાસન સંભાળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વાજીરાલોંગ્કોર્નને શનિવારે એક પારંપરિક સમારોહમાં અધિકૃત રીતે તાજ પહેરાવવામાં આવશે. પરંતુ, તે પહેલા જ આ બંનેના લગ્નએ થાઇલેન્ડની જનતાને આશ્ચર્યમાં નાખી દીધી. વાજીરાલોંગ્કોર્નના આ પહેલા 3 લગ્નો થઈ ચૂક્યાં છે અને ત્રણેય પત્નીઓ સાથે તેમના તલાક પણ થઈ ચૂક્યાં છે. આ લગ્નોથી તેમને 7 બાળકો પણ છે.

પહેલાથી જ થઈ રહી છે તેમના સંબંધોની ચર્ચા

બુધવારે થાઇલેન્ડની સરકારી ટીવી ચેનલ પર બંનેનો લગ્ન સમારંભ દર્શાવવામાં આવ્યો. વીડિયોમાં જોવા મળે છે કે લગ્ન દરમિયાન રાજા વાજીરાલોંગ્કોર્ન ક્વીન સુથિદાના માથા પર પવિત્ર જળ રેડી રહ્યા હતા. ત્યારબાદ તે બંનેએ રજિસ્ટરમાં સહી કરી.

વર્ષ 2014માં વાજીરાલોંગ્કોર્ને સુથિદા તિદજઈને બોડીગાર્ડ યુનિટની ડેપ્યુટી કમાન્ડર તરીકે નિયુક્ત કરી હતી. આ પહેલા સુથિદા થાઈ એરવેઝમાં ફ્લાઇટ અટેન્ડન્ટ હતી.  ડિસેમ્બર 2016માં વાજીરાલોંગ્કોર્ને સુથિદાને રોયલ થાઈ આર્મીની ફુલ જનરલ બનાવી દીધી હતી. ત્યારબાદ સુથિદાને 2017માં રાજાના પર્સનલ સુરક્ષાદળની ડેપ્યુટી કમાન્ડર બનાવવામાં આવી. આ બંનેના સંબંધો ઘણીવાર મીડિયાની સુરખીઓ પણ બની ચૂક્યા છે પરંતુ આ પહેલા રાજપરિવાર તરફથી તેના પર કોઈપણ પ્રકારની કમેન્ટ કરવામાં આવી ન હતી.