Site icon Revoi.in

આર્ટિકલ 15: આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ અંગે કેમ થઈ રહ્યો છે વિવાદ?

Social Share

‘ધર્મ, નસલ, જાતિ, લિંગ, જન્મસ્થાન યા ઇનમેંસે કિસી આધાર પર રાજ્ય અપને કિસી ભી નાગરિક સે કોઈ ભેદભાવ નહીં કરેગા. યે મૈં નહીં કહ રહા, ભારતકે સંવિધાનમેં લિખા હૈ.’

આને અનુભવ સિંહા નિર્દેશિત અને આયુષ્માન ખુરાના અભિનિત ફિલ્મ ‘આર્ટિકલ 15’નો માત્ર એક ડાયલોગ સમજવાની ભૂલ ન કરતા. આ ભારતીય બંધારણના આર્ટિકલ 15ની પહેલી લાઇન છે. આર્ટિકલ 15 એટલે સમાનતાનો અધિકાર.

આમ તો ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, 1950ના રોજ લાગુ થયું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તે અલગ-અલગ કારણોને લીધે સતત ચર્ચામાં રહ્યું છે. ક્યારેક સત્તામાં બેઠેલા લોકો તરફથી બંધારણમાં સુધારાને લઇને તો ક્યારેક વિપક્ષીય પાર્ટીઓ તરફથી બંધારણ ખતરામાં હોવાની વાતને લઇને.

એવામાં જ્યારે ‘આર્ટિકલ 15’ નામથી ફિલ્મ આવી રહી છે, તો તેની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે. રીલીઝના થોડાંક કલાકોમાં જ ‘આર્ટિકલ 15’ના ટ્રેલરને લાખો લોકોએ જોયું.

શું છે આર્ટિકલ 15

15(1) પ્રમાણે રાજ્ય કોઈપણ નાગરિક સાથે ફક્ત ધર્મ, મૂળવંશ, જાતિ, લિંગ, જન્મસ્થાન અથવા તેમાંથી કોઈના આધાર પર કોઈ ભેદભાવ નહીં કરે.

આ જ આર્ટિકલ 15 વિશે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અવનિ બંસલ જણાવે છે કે બંધારણ સમાનતાનો અધિકાર આપે છે. બંધારણની રચના જ એ આધાર પર કરવામાં આવી છે કે દેશના કોઈ નાગરિક સાથે ભેદભાવ ન થાય પરંતુ સત્ય એ છે કે બંધારણમાં લેખિત તથ્યોનું જમીની સ્તર પર પાલન નથી થઈ શકતું.

આર્ટિકલ 15ના ટ્રેઇલરના કેટલાંક દ્રશ્યો વર્ષ 2014માં બદાયુંના કટરા શહાદતગંજ ગામમાં કાકા-કાકાની બે દીકરીઓના મોત સાથે જોડાયેલાં લાગે છે. મામલામાં બે પિતરાઈ બહેનોના શબ ઝાડ સાથે લટકેલાં મળ્યા હતા. પહેલા ગેંગરેપ પછી હત્યાની વાત કહેવામાં આવી, પછી કહેવામાં આવ્યું કે બંને બહેનોએ આત્મહત્યા કરી લીધી. ઘણીવાર એ નિવેદન પણ આવ્યું કે બાળકીઓના પિતાએ તેમની હત્યા કરી દીધી.

જોકે આર્ટિકલ 15 ફિલ્મના સહ-લેખક ગૌરવ સોલંકીએ એક મીડિયા હાઉસને જણાવ્યું કે, ‘આ ફિલ્મ ફક્ત એક ઘટના પર આધારિત નથી. દરરોજ કંઇક ને કંઇક એવું થઈ રહ્યું છે અને આ ફિલ્મ તે તમામ ઘટનાઓનો સમાવેશ કરે છે.’

આ ફિલ્મને બનાવવાની જરૂર કેમ પડી, એ સવાલના જવાબમાં ગૌરવ કહે છે કે, ‘સામાન્ય શહેરોમાં રહેતા એક મોટા વર્ગને લાગે છે કે નાત-જાતનો ભેદભાવ હવે રહ્યો નથી. આ બધી જૂના જમાનાની વાત થઈ ગઈ પરંતુ એવું નથી. દેશના ઘણા હિસ્સાઓમાં હજુ પણ આ પ્રકારનો ભેદભાવ કાયમ છે.’

ટ્રેલરમાં આયુષ્માન ખુરાના ભેદભાવને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે. આ ફિલ્મ 20 જૂનના રોજ રીલીઝ થશે પરંતુ કેટલાક લોકોએ ટ્રેલર પર વાંધો ઉઠાવવાનો શરૂ કરી દીધો છે. વરિષ્ઠ પત્રકાર દિલીપ મંડલ માને છે કે આ પ્રકારની ફિલ્મોથી કોઇ ફરક નહીં પડે.

મંડલ કહે છે, ‘આ એન્ટિ-કાસ્ટ ફિલ્મ નથી પરંતુ જાતિને લઇને જે સમાજમાં વર્ષોથી ચાલી રહેલી ધારણાઓ છે, આ ફિલ્મ તેની જ પુષ્ટિ કરે છે. આ ફિલ્મ માને છે કે દલિતોને આજે પણ પોતાના ઉદ્ધાર માટે એક મુક્તિદાતાની જરૂર છે અને આ કામ દલિતો પોતે ન કરી શકે. ફિલ્મમાં આ ઉદ્ધારકર્તા એક બ્રાહ્મણ આઇપીએસ છે.’

દિલીપ કહે છે, ‘કોઇપણ સમાજમાં પરિવર્તન આંતરિક રીતે થાય છે, તેને બહારથી થોપી ન શકાય અને એ માનવું જોઇએ કે દલિત પોતાની લડાઈ લડી રહ્યા છે અને પરિવર્તન થઈ રહ્યું છે. આ ફિલ્મ ચાલી રહેલી લડાઇને પાછળ જ લઇ જશે.’

પરંતુ ગૌરવ ફિલ્મને લઇને અત્યારે કોઇપણ પ્રકારનો અભિપ્રાય બનાવી લેવાને ઉતાવળ કહે છે. તેમનું કહેવું છે કે ટ્રેલર કોઈપણ ફિલ્મનો ફક્ત એક નાનો હિસ્સો હોય છે, તેના આધારે આખી ફિલ્મની કલ્પના કરી લેવી યોગ્ય નથી.