Site icon Revoi.in

ICJમાં ભારતને સફળતા: કુલભૂષણ જાધવની ફાંસી પર રોક, પાકિસ્તાનને નિર્ણયની સમીક્ષા કરવા તાકીદ

Social Share

કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફાંસીની સજાના મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના 16 ન્યાયાધીશોમાંથી 15 જજોએ ભારતની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આઈસીજેમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય તમાચો મારવામાં મોદી સરકારને મોટી સફળતા મળી છે. 15 વિરુદ્ધ 1થી આઈસીજેએ પોતાના ચુકાદામાં કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવાની ભારતની દલીલને યોગ્ય ઠેરવી છે. આઈસીજેએ પાકિસ્તાનને ફાંસીની સજાના નિર્ણયની પુનર્વિચારણા કરવાની તાકીદ કરીને ત્યાં સુધી જાધવની ફાંસી પર રોક લગાવી દીધી છે. ફેબ્રુઆરી-2018માં આઈસીજેમાં ચાર દિવસ સુનાવણી ચાલી હતી. ત્યારે જાધવની ફાંસી પર આઈસીજેએ વચગાળાની રોક લગાવી હતી.

નેધરલેન્ડની હેગ ખાતેની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આજે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવના મામલામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. આઈસીજેમાં ભારત અને પાકિસ્તાન તરફથી વકીલોની ટીમોની હાજરીમાં ચુકાદો આપવામાં આવ્યો છે કે કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવવામાં આવી છે. આઈસીજેએ પાકિસ્તાનને જાધવ પરના ચુકાદાની સમીક્ષા કરવા માટે પણ જણાવ્યું છે. તેની સાથે જ જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ યાદવને કાઉન્સિલર એક્સેસ આપવાનો આદેશ પણ આઈસીજેએ પોતાના ચુકાદામાં આપ્યો છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના 15 જજો ભારતની તરફેણમાં હતા.

આઈસીજેએ પોતાના 42 પૃષ્ઠોના ચુકાદામાં કહ્યું છે કે પાકિસ્તાન જ્યાં સુધી અસરકારક રીતે પોતાના ચુકાદાની સમીક્ષા અને પુનર્વિચારણા કરી લેતું નથી, ત્યાં સુધી કુલભૂષણ જાધવની ફાંસી પર રોક રહેશે. કુલભૂષણને કોન્સ્યુલર એક્સેસનહીં આપવાના પાકિસ્તાનના પગલાના આધારે આઈસીજેએ આ ચુકાદો આપ્યો છે.

આઈસીજેમાં ભારતને મોટી જીત મળી છે. આઈસીજેએ કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવતા કહ્યુ છે કે પાકિસ્તાને માનવાધિકાર અને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને પોતાનો કાયદો તોડયો છે.

આઈસીજેના કાયદાકીય સલાહકાર રીમા ઓમરે ટ્વિટ કરીને કહ્યું છે કે જાધવનને કાઉન્સેલર એક્સેસ મળશે. આઈસીજેએ ચુકાદા પર પુનર્વિચારણા માટે કહ્યું છે. મહત્વપૂર્ણ છે કે 15-1થી ભારતના પક્ષમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ચુકાદો આપ્યો છે.

ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આઈસીજેના ચુકાદાનું સ્વાગત કર્યું છે. તેમણે ચુકાદા પર ખુશી વ્યક્ત કરતા આઈસીજેમાં ભારતના પક્ષને રજૂ કરનારા વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેને પણ ધન્યવાદ આપ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ઈરાનના ચાબહારમાં બિઝનસ કરનારા ભારતીય નૌસેનાના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને ભારતનો જાસૂસ ગણાવીને પાકિસ્તાને ઘેરી ચાલબાજી કરી હતી. ભારતે પાકિસ્તાનના પ્રોપેગેન્ડાનો જવાબ આપતા સ્પષ્ટ કહ્યું હતું કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. માટે જ્યારે પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે તેના માટે ફાંસીની સજાનું એલાન કર્યું, તો ભારત હેગની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ગયું હતું.