Site icon Revoi.in

બોર્ડર પર ફરીથી વધી હલચલ, પાકિસ્તાને અંકુશ રેખા-પંજાબ સુધી વધારી સૈન્ય તેનાતી

Social Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ થંભવાનું નામ લઈ રહ્યો નથી. આતંકવાદની વિરુદ્ધ ભારત સત આકરું વલણ અપનાવી રહ્યું છે અને તેને કારણે પાકિસ્તાનની સેનાની મુશ્કેલીઓ પણ વધી રહી છે. તેના કારણે બોર્ડર પર પાકિસ્તાની સેના વધુ સતર્ક રહેવા લાગી છે. તાજેતરના અહેવાલ મુજબ, પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરમાં એલઓસી અને પંજાબ બોર્ડર પર જવાનોની તેનાતી કરી છે. પાકિસ્તાન સતત બોર્ડર પર જવાનોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે.

સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાની સેના પહેલા જ કાશ્મીર ક્ષેત્રમાં બોર્ડર પર પોતાની તેનાતી વધારી રહી હતી.  પરંતુ આ વખતે પંજાબ વિસ્તાર સુધી સૈન્ય હલચલમાં વધારો થયો છે.
ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પ્રમાણે પાકિસ્તાની સેનાની 4 કોર્પ્સ અને 10 કોર્પ્સવાળા ક્ષેત્રમાં આ તેનાતી વધી છે. 4 કોર્પ્સનું હેડક્વોર્ટર લાહોરમાં છે, જે પંજાબ બોર્ડરની આસપાસની સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે. જ્યારે 10 કોર્પ્સનું હેડક્વોર્ટર રાવલપિંડીમાં છે, ત્યાં ઘણી હલચલ જોવા મળી રહી છે.

સૂત્રો મુજબ, બંને હેડક્વોર્ટરના લગભગ 50 ટકાથી વધારે જવાનો બોર્ડરની નજીક આગળ વધી ચુક્યા છે. તેમાના મોટાભાગના બખ્તરબંધ વાહનો અને આર્ટિલરી હથિયાર સાથે સંબંધિત સૈન્યકર્મીઓ છે.

મહત્વપૂર્ણ છે કે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. આ આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે પરિસ્થિતિ વણસી છે.

ભારતે પાકિસ્તાનના બાલાકોટ સહીત ત્રણ સ્થાનો પર જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. બાદમાં પાકિસ્તાનના યુદ્ધવિમાનો ભારતીય વાયુસીમામાં ઘૂસી આવ્યા હતા. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ઘણી મુશ્કેલી બાદ પરિસ્થિતિ શાંત પડી હતી.

શુક્રવારે પણ પાકિસ્તાને બોર્ડર પર યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાની સેનાએ રાજૌરી અને જમ્મુ જિલ્લાઓની નિયંત્રણ રેખા પર અગ્રિમ ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરતા ગોળીબાર કર્યો હતો અને તેમા સેનાના બેદ જવાનો ઘાયલ થયા હતા.

અધિકારીઓએ શુક્રવારે કહ્યુ હતુ કે પાકિસ્તાની સૈનિકોએ પલ્લનવાલા, સુંદરબની અને નૌશેરા સેક્ટરોમાં રાત્રિભર મોર્ટાર શેલિંગ અને ગોળીબાર કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે પલ્લનવાલા સેક્ટરમાં ઘાયલ થયેલા સેનાના બંને જવાનોને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા છે.

અધિકારીઓનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર ગુરુવારે પાકિસ્તાની સેનાએ અગ્રિમ વિસ્તારો અને ભારતીય ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો અને તેમા સેનાનો એક જવાન શહીદ થયો હતો.