Site icon Revoi.in

કરતારપુર કોરિડોર: પાકિસ્તાની પેનલમાં ખાલિસ્તાનીઓ પર ભારતે માગ્યું સ્પષ્ટીકરણ, આગામી તબક્કાની વાતચીત અટવાઈ

Social Share

કરતારપુર કોરિડોરને લઈને પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવેલી કમિટીમાં ઘણાં ખાલિસ્તાની ભાગલાવાદીઓના સામેલ કરવાને લઈને ભારતે કડક વલણ અખત્યાર કર્યું છે. ભારતે આને લઈને પાકિસ્તાન પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે અને સ્પષ્ટપણે કહ્યુ છે કે જ્યાં સુધી પાડોશી દેશ જવાબ નહીં આપે, ત્યાં સુધી કરતારપુર કોરિડોરને લઈને બંને દેશો વચ્ચે આઘામી તબક્કાની વાતચીત થશે નહીં.

સૂત્રોનું કહેવું છે કે ભારતે શુક્રવારે પાકિસ્તાનના નાયબ હાઈકમિશનરને તલબ કરીને કરતારપુર પેનલમાં ખાલિસ્તાનીઓની હાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે પાકિસ્તાનના નાયબ હાઈકમિશનર સઈદ હૈદર શાહને એમ પણ કહ્યુ છે કે કરતારપુર સાહિબ કોરિડોરને શરૂ કરવાની પદ્ધતિને લઈને અટારીમાં થયેલી ગત મીટિંગમાં નવી દિલ્હીએ જે મુખ્ય પ્રસ્તાવ આપ્યો હતો, તેના ઉપર ઈસ્લામાબાદનું વલણ સ્પષ્ટ કરે.

વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, પાકિસ્તાને કહ્યુ છે કે કોરિડોરની પદ્ધતિઓને લઈને બંને દેશો વચ્ચે થનારી બેઠક પાકિસ્તાનના જવાબ મળ્યા બાદ કોઈ યોગ્ય સમયે આયોજિત થઈ શકે છે. બંન દેશો વચ્ચે આગામી તબક્કાની વાતચીત વાઘા બોર્ડર પર બીજી એપ્રિલે થવાની હતી. કોરિડોર માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને ઝડપી બનાવવા માટે ભારતે એપ્રિલના મધ્યમાં ટેક્નિકલ એક્સપર્ટ્સની એક અન્ય મીટિંગનો પ્રસ્તાવ આપ્યો છે. જેથી જે મુદ્દાઓ પર મતભેદ છે, તેને ઉકેલી શકાય.

મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાન કરતારપુરના ગુરુદ્વારા દરબારસાહિબને ગુરુદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડવા માટે કોરિડોર બનાવવા પર સંમત થયા હતા. પાકિસ્તાન ખાતે કરતારપુરમાં જ શીખ ધર્મના પ્રવર્તક ગુરુ નાનક દેવજીએ દેહ ત્યાગ કર્યો હતો. કરતારપુરસાહિબ પાકિસ્તાનના નારોવલ જિલ્લામાં રાવી નદીને પેલે પાર આવેલું છે. આ ડેરા બાબા નાનક ગુરુદ્વારાથી ચાર કિલોમીટરના અંતરે છે. 26 નવેમ્બરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે ગુરુદાસપુર જિલ્લામાં કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. તેના બે દિવસો બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને લાહોરથી 125 કિલોમીટર દૂર નરોવલમાં કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો.