Site icon Revoi.in

પાકિસ્તાનની નાપાક હરકતોનો ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ, 10 પાકિસ્તાની સૈનિકો ઠાર

Social Share

જમ્મુ-કાશ્મીરના પુંછમાં સોમવારથી પાકિસ્તાન તરફથી કરવામાં આવતા અકારણ ગોળીબારનો ભારતીય સેનાએ પણ આકરો જવાબ આપ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, ભારતીય સૈનિકોએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના 10 સૈનિકોને ઠાર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન તરફથી સોમવારે પુંછની આસપાસ ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં બીએસએફના એક અધિકારી શહીદ થયા હતા અને એક પાંચ વર્ષીય બાળકીનો પણ જીવ ગયો હતો.

રિપોર્ટ્સ પ્રમાણે, પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગને કારણે સીમાવર્તી ગામડાંઓમાં ઘણાં સિવિલિયન્સ પણ ઈજાગ્રસ્ત થયા હતા અને મકાનોને પણ ભારે નુકસાન થયુ હતું. પાકિસ્તાનની આ હરકતનો જવાબ આપતા  ભારતીય સેનાએ પીઓકેમાં આવેલા રાવલકોટ જિલ્લાના ચકરી વિસ્તારમાં ભીષણ ફાયરિંગ કરીને પાકિસ્તાનના દશ સૈનિકોને ઠાર કર્યા છે. જો કે પાકિસ્તાને પોતાના ત્રણ સૈનિકોના મોતની વાતને જ કબૂલી છે અને પોતાના દશ સૈનિકોના ઈજાગ્રસ્ત હોવાની વાત જણાવી છે.

મહત્વપૂર્ણ છે કે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે સોમવારે જ ભારતીય વાયુસેનાએ પંજાબના ખેમકરણ સેક્ટરમાં સીમા નજીક એક પાકિસ્તાની ડ્રોન દેખાયા બાદ ત્યાં સુખોઈ-30 યુદ્ધવિમાનોને તેનાત કર્યા હતા. આ ઘટના બાદ સીમા નજીક બે પાકિસ્તાની એફ-16 યુદ્ધવિમાનો પણ જોવા મળ્યા હતા. ભારતીય વાયુસેનાના જવાબ બાદ પાકિસ્તાની ડ્રોન અને યુદ્ધવિમાનો તેની સીમામાં ચાલ્યા ગયા હતા.

Exit mobile version