Site icon Revoi.in

સુષ્મા સ્વરાજના નિવેદન પર પાક આર્મીનો જવાબ, કહ્યું- ભારત માની લે કે 2016માં કોઈ સર્જિકલ સ્ટ્રાઈક થઈ નહોતી

Social Share

પાકિસ્તાન આર્મીએ કહ્યું છે કે ભારતે એ સ્વીકાર કરી લેવું જોઈએ કે 2016માં કોઈ સર્જિકલ સ્ટ્રાઇક થઈ નહોતી. સાથે જ એમપણ કહ્યું કે નવી દિલ્હીએ એ દાવો પણ પાછો લેવો જોઈએ કે તેણે ફેબ્રુઆરીમાં એર સ્ટ્રાઇક દરમિયાન પાકના F-16 લડાયક વિમાનને તોડી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ગુરૂવારે અમદાવાદમાં કહ્યું હતું કે બાલાકોટ હુમલામાં પાકનો કોઈ નાગરિક અને સૈનિક માર્યો ગયો નથી.

પાકિસ્તાન આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું, “આશા છે કે ભારત ખોટા દાવાઓ કરવાનું બંધ કરશે, જેવાકે 2016માં તેમના તરફથી સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભારત એ વાતનો પણ ઇનકાર કરી રહ્યું છે કે પાકિસ્તાને તેના 2 વિમાન તોડી પાડ્યા. ભારતે પાકિસ્તાનનું F-16 લડાયક વિમાન તોડી પાડ્યું એ દાવો પણ ખોટો છે.”

ઉલ્લેખનીય છે કે મહિલા કાર્યકર્તાઓને સંબોધિત કરવા દરમિયાન સુષ્માએ કહ્યું હતું કે એર સ્ટ્રાઈક માટે સેનાઓને ફ્રી હેન્ડ આપવામાં આવ્યો હતો, પરંતુ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યુ હતું કે પાકિસ્તાનના કોઈપણ નાગરિક કે સૈનિકને મારવામાં નહીં આવે. એ લોકોને સામાન્ય ઘસરકો પણ નહીં પડે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને એ જ કહ્યું હતું કે એરસ્ટ્રાઈક પોતાના બચાવમાં કરવામાં આવેલી કાર્યવાહી છે.  

આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા ફિદાયીન હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. ભારત સતત પાક પર આતંકી જૂથો પર કાર્યવાહી કરવાનું દબાણ કરી રહ્યું છે.