Site icon Revoi.in

ભારતીય સબમરીન પાકિસ્તાની જળક્ષેત્રમાં ઘૂસી હોવાનો પાકિસ્તાની નૌસેનાનો પ્રોપેગેન્ડા

Social Share

બોર્ડર પર તણાવ વચ્ચે પાકિસ્તાનની નૌસેનાએ દાવો કર્યો છે કે તેણે સોમવારે ભારતીય સબમરીનને પોતાના જળક્ષેત્રમાં ઘૂસવાની કોશિશને નિષ્ફળ બનાવી છે. પાકિસ્તાની નૌસેનાના પ્રવક્તાનો દાવો છે કે 2016 બાદ આ બીજી ઘટના છે કે જ્યારે ભારતીય સબમરીને પાકિસ્તાનના જળક્ષેત્રમાં ઘૂસવાની કોશિશ કરી છે. પાકિસ્તાની નૌસેના તરફથી દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબાએ મંગળવારે સમુદ્રના રસ્તે આતંકવાદીઓની ઘૂસણખોરીની આશંકા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાની નૌસેનાના પ્રવક્તાએ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે શાંતિ જાળવી રાખવા માટે નૌસેનાએ ભારતીય સબમરીનને નિશાન બનાવી નથી. તેનાથી ખબર પડે છે કે અમે શાંતિ ઈચ્છીએ છીએ. આ ઘટનાથી બોધપાઠ લઈને ભારતે પણ શાંતિને લઈને પોતાનો ઝુકાવ દેખાડવો જોઈએ.

પાકિસ્તાની નૌસેના દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં એક સબમરીનનો ઉપરનો હિસ્સો દેખાઈ રહ્યો છે, જેના ભારતીય હોવાનો દાવો પાકિસ્તાની નૌસેના દ્વારા કરવામાં આવ્યો છે. આ વીડિયો  4 ફેબ્રુઆરી, રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ રેકોર્ડ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની નૌસેનાના પ્રવક્તાએ કહ્યુ છે કે ભારતની કોશિશોને નિષ્ફળ કરીને પાકિસ્તાની નેવીએ સાબિત કર્યું છેકે તે પોતાની સમુદ્રી સીમાઓની સુરક્ષા કરવામાં સક્ષમ છે અને કોઈપણ પ્રકારની આક્રમકતાનો જવાબ આપવા માટે પણ તૈયાર છે. જો કે પાકિસ્તાનના દાવા પર ભારતીય નૌસેનાએ કોઈ જવાબ આપ્યો નથી. પંરતુ જો આ દાવો યોગ્ય પણ છે, તો બની શકે કે ભારતીય નૌસેના પાકિસ્તાનને જણાવવા ચાહે છે કે તેઓ કરાચીથી 200 કિલોમીટર દૂર સતર્ક છે.

આના પહેલા ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ દાવો કર્યો હતો કે ગુપ્તચર રિપોર્ટ પ્રમાણે આતંકવાદી સમુદ્રના માર્ગે ભારતમાં ઘૂસવાની ફિરાકમા છે અને મોટી ઘટનાને અંજામ આપવા માટે આતંકવાદીઓને તાલીમ આપી રહ્યા છે. તેમણે કહ્યુ છેકે આતંકવાદી જૂથ આતંકી હુમલાની સાજિશ રચી રહ્યા છે. આવા તત્વોને એવા દેશોમાંથી મદદ મળી રહી છે કે જેમનો ઉદેશ્ય ભારતને અસ્થિર રાખવાનો છે.

મહત્વપૂર્ણ છે કે પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાની જવાબી કાર્યવાહી બાદ બંને દેશોમાં તણાવની સ્થિતિ છે. વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની વાયુસેનાએ ભારતીય વાયુક્ષેત્રમાં ઘૂસવાની કોશિશ કરી હતી અને કેટલાક સૈન્ય કેમ્પોને નિશાન બનાવવાની કોશિશ પણ કરી હતી. જો કે ભારતીય વાયુસેનાએ આનો જડબાતોડ જવાબ આપ્યો અને કાર્યવાહીમાં પાકિસ્તાનનું એક એફ-16 યુદ્ધવિમાન તોડી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં ભારતનું મિગ-21 બાયસન ક્ષતિગ્રસ્ત થયું હતું અને તેના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન પીઓકેમાં ઈજેક્ટ થયા હતા. જો કે ભારતના દબાણ હેઠળ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને મુક્ત કરવા પડયા હતા.

14મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મના એક આત્મઘાતી હુમલાખોરે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એક વિસ્ફોટકથી ભરેલા વાહનથી સુરક્ષાદળોના કાફલાની એક બસને ટક્કર મારી હતી અને આ હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. જેના કારણે 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ ખાતે જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ સેન્ટર પર એર સ્ટ્રાઈક કરી હતી.