Site icon Revoi.in

આતંકી મસૂદ અઝહર પર પ્રતિબંધ માટે પાકિસ્તાન તૈયાર, પરંતુ મૂકી આ શરત

Social Share

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાની ભારતની કોશિશો દરમિયાન પાકિસ્તાને આ મુદ્દે સશરત સમર્થન આપવાની વાત કરી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે એક પાકિસ્તાની ટીવી શૉ પર રવિવારે કહ્યું કે પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે તૈયાર છે પરંતુ મસૂદ અઝહરને પુલવામા આતંકી હુમલા સાથે સાંકળવામાં ન આવે.

ફૈઝલે કહ્યું, “ભારતે પુરાવો આપવો જોઈએ કે પુલવામા હુમલામાં મસૂદ અઝહરનો હાથ હતો. જો એવું નથી તો પછી અમે તેને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મુદ્દે વાતચીત કરી શકીએ છીએ. આ કોઈ બહુ મોટો મુદ્દો નથી.” વધુમાં તેમણે કહ્યું કે પુલવામા હુમલો બિલકુલ અલગ મુદ્દો હતો. ભારત જમ્મુ-કાશ્મીરના સ્થાનિક લોકોના અવાજને દબાવવાની કોશિશ કરી રહ્યું છે.

વિશ્લેષકોનું કહેવું છે કે પાકિસ્તાનનો આ તર્ક એકદમ ફાલતુ છે કારણકે વર્તમાનમાં પુલવામા હુમલા માટે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 કમિટીમાં મસૂદ અઝહર પર બેન માટે વિચાર કરવામાં આવી રહ્યો છે. એટલે અઝહરને પુલવામાથી અલગ કરી શકાય નહીં. ફૈઝલનું નિવેદન એવા વખતે સામે આવ્યું છે જ્યારે યુકેએ મસૂદ અઝહરના સંયુક્ત રાષ્ટ્રમાં ટુંક સમયમાં જ આતંકી જાહેર થવાની આશા દર્શાવી છે. આ ઉપરાંત, યુકેએ પાકિસ્તાન પાસે આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પાકિસ્તાન આધારિત સંગઠન જૈશ-એ-મોહમ્મદે પોતે પુલવામા હુમલાની જવાબદારી લીધી હતી. ગયા મહિને ચીને ટેક્નીકલ આધારોનો હવાલો આપીને મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાની કોશિશો પર પાણી ફેરવી દીધું હતું. આ ચોથીવાર હતું જ્યારે ચીને મસૂદ અઝહરને આતંકી ઘોષિત કરવાની રાહમાં વિઘ્નો નાખ્યા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “અમે મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાના સમર્થક છીએ. આ મુદ્દે ટુંક સમયમાં કોઈ ઉકેલ લાવવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ફ્રાન્સ, યુકે અને યુએસ દ્વારા યુએન સુરક્ષા પરિષદની આતંકીઓ પર પ્રતિબંધનો ફેંસલો કરતી 1267 કમિટીમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જોકે, ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદ અઝહર પર પ્રતિબંધ અટકાવી દીધો હતો.