Site icon Revoi.in

શાહીદ આફ્રીદીએ પોતાની આત્મકથામાં કર્યો સૌથી મોટા જૂઠાણાનો ખુલાસો, ઉંમર લખાવી હતી 5 વર્ષ ઓછી

Social Share

પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદ્દીએ પોતાની આત્મકથા ‘ગેમ ચેંજર’માં પોતાની સાચી ઉંમરનો ખુલાસો કર્યો છે. તેમાં તેણે પોતાના જન્મનું વર્ષ 1975 જણાવ્યું છે, પરંતુ અધિકૃત રેકોર્ડમાં તેની જન્મતારીખ 1 માર્ચ, 1980 છે. આફ્રિદીએ 1996માં નૈરોબીમાં શ્રીલંકા વિરુદ્ધ 37 બોલમાં સૌથી ઝડપી વનડે સેન્ચુરી ફટકારી હતી. એ રીતે જોતાં તે સમયે તેની ઉંમર 16 વર્ષ નહીં પરંતુ 20 કે 21 વર્ષ રહી હશે.

આફ્રીદી આ સીરીઝ પછી નૈરોબીથી વેસ્ટઇન્ડિઝ પહોંચ્યા હતા. અહીંયા તેમણે પાકિસ્તાન માટે અંડર-19 સીરીઝ રમી, જ્યારે હકીકતમાં તે સમયે તે અંડર-19 ખેલાડી નહોતો. આફ્રીદીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાને લાંબો સમય થઈ ગયો છે, પરંતુ પાકિસ્તાન સુપરલીગ (પીએસએલ)ના આ સત્રમાં તેમણે મુલ્તાન સુલ્તાન્સ માટે 8 મેચો રમી અને 10 વિકેટ્સ લીધી. તેમની આત્મકથાને ધ્યાનમાં રાખીને જોઈએ તો તેમણે 43 કે 44ની ઉંમરમાં આ પ્રદર્શન કર્યું.

‘ગેમ ચેંજર’ પ્રમાણે, આફ્રીદીનો જન્મ 1975માં થયો. જ્યારે તેણે 2010માં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ત્યારે તે 34 કે 35 વર્ષનો હતો. 4 વર્ષ પછી તેણે ક્રિકેટમાં વાપસી કરી તો તે ફક્ત એક જ ટેસ્ટ રમ્યો હતો. જ્યારે તેમણે 2016માં પાકિસ્તાન માટે પોતાની છેલ્લી ટી-20 મેચ રમી હતી, ત્યારે તે 36 નહીં પરંતુ 40 કે 41 વર્ષનો હતો.

હવે સવાલ એ છે કે આફ્રીદીએ અત્યાર સુધી પોતાની ઉંમરને લઈને મૌન કેમ સેવી રાખ્યું હતું? હવે જ્યારે તેણે પોતાની સાચી ઉંમરનો ખુલાસો પોતે જ કરી દીધો છે તો શું આઇસીસી આ સંબંધે કોઈ નિર્ણય લેશે?