Site icon Revoi.in

‘ગેમ ઑફ થ્રોન્સ’ની 8મી સીઝન ફરીથી બનાવવા પિટિશન, અત્યાર સુધીમાં વિશ્વભરના 1.06 મિલિયન ફેન્સે કરી સહી

Social Share

HBOની વિશ્વવિખ્યાત સીરીઝ ‘ગેમ ઑફ થ્રોન્સ’ના વિશ્વભરના ફેન્સ છેલ્લી સીઝનથી ખૂબ નિરાશ થયા છે. નિરાશ થયેલા ફેન્સે થોડા દિવસ પહેલા આખી સીઝનમાં ફેરફાર કરીને ફરીથી બનાવવા માટે Change.org પર અરજી દાખલ કરી હતી. આ અરજીમાં સીરીઝની આઠમી સીઝનના મેકર્સને વિનંતી કરવામાં આવી છે કે આખી સીઝનને સક્ષમ લેખકો સાથે ફરીથી બનાવવામાં આવે. આ પિટીશન પર હવે 1.06 મિલિયન ફેન્સે સહી કરી દીધી છે.

‘ધ હોલિવુડ રિપોર્ટર’ના જણાવ્યા પ્રમાણે, જ્યારે પિટિશન 1 મિલિયન સહીને પાર કરી ગઇ ત્યારે આ પિટિશન શરૂ કરનાર વ્યક્તિ, જે પોતાને ડીલાન ડી. કહે છે, તેણે લોકોને જણાવ્યું કે આ અરજીની શરૂઆત ક્યાંથી થઈ.

ડીલાને જણાવ્યું કે તેણે છેલ્લી સીઝનનો ચોથો એપિસોડ ‘ધ લાસ્ટ ઓફ ધ સ્ટાર્ક્સ’ ટેલિકાસ્ટ થયો તે પછી આ પિટિશન લખી હતી, કારણકે આ એપિસોડથી તે ખૂબ નિરાશ અને ગુસ્સે થયો હતો.

ડીલાને આ પિટિશનને Reddit પર પોસ્ટ કર્યા પછી તેને ટુંક સમયમાં જ સપોર્ટર્સ મળવા શરૂ થઈ ગયા. જોકે ડીલાને જણાવ્યું કે આ બાબતે HBO તરફથી તેને કોઈ રિસ્પોન્સ મળશે તેવી તેને બિલકુલ આશા નહોતી. ડીલાને લખ્યું છે, ‘મને નથી લાગતું કે એચબીઓ ફરીથી આખી સીઝન કે પછી આ સીઝનના કેટલાક ભાગને ફરીતી બનાવે. એક એપિસોડને શૂટ કરવા માટે જ જંગી ખર્ચો થાય છે અને મને લાગે છે કે પિટિશન સાઇન કરનારા મોટાભાગના લોકો આ વાતને સમજે છે. શું એચબીઓ આ માટે અનેકગણા પૈસા ખર્ચશે? ના, કદાચ નહીં.’

ડીલાને કહ્યું કે આ પિટિશન લખવા પાછળનું મૂળભૂત કારણ ફક્ત ને ફક્ત ઘોર નિરાશા જ છે. ડીલાને એવી આશા પણ વ્યક્ત કરી છે કે આ સીરીઝના ઓરિજિનલ લેખલ જ્યોર્જ આર.આર. માર્ટિન કે જેમના પુસ્તક પરથી આ આખી સીરીઝ બનાવવામાં આવી છે, તેમણે કદાચ આ વાર્તાનો વધુ સારો અંત આપ્યો હશે.

રવિવાર સુધીમાં સીઝન 8ને ફરીથી બનાવવાની પિટિશન પર 1.06 મિલિયન લોકોએ સહી કરી દીધી છે. પિટિશનમાં લખવામાં આવ્યું છે કે, ‘ડેવિડ બેનિઓફ અને ડી.બી. વેઇસે પોતાની જાતને અતિશય ખરાબ લેખકો સાબિત કર્યા છે. આ સીરીઝની ફાઇનલ સીઝન એવી હોવી જોઈએ જે અર્થસભર હોય.’

આ સીરીઝની શરૂઆતની સીઝનમાં માર્ટિનની નવલકથા ‘અ સોંગ ઓફ આઇસ એન્ડ ફાયર’ની પ્લોટલાઇનને ફોલો કરવામાં આવી, પરંતુ છઠ્ઠી, સાતમી અને આઠમી સીઝન બુકની ઓરિજિનલ સ્ટોરીલાઇનથી અલગ રીતે બનાવવામાં આવી. મોટાભાગના ફેન્સ માને છે કે આખો પ્રોબ્લેમ ત્યાંથી જ શરૂ થયો છે. અન્ય કેટલાક ફેન્સનો દાવો છે કે બેનિઓફ અને વેઇસ પોતાનો આગામી પ્રોજેક્ટ ‘સ્ટારવોર્સ: રાઇઝ ઓફ સ્કાયવોકર’માં એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે તે લોકો શૉની પ્લોટલાઇન સાથે ન્યાય ન કરી શક્યા.

આ બધાની શરૂઆત સીઝનના ત્રીજા એપિસોડથી શરૂ થઈ જ્યારે અનેક ફેન્સે એવી ફરિયાદ કરી કે આ સીઝન ખૂબ ડાર્ક છે અને અડધા સીન્સમાં તો ખબર જ નથી પડતી કે શું થઈ રહ્યું છે. આ ઉપરાંત મેકર્સ પણ એ ટીકાનો સામનો કરી રહ્યા છે જ્યારે ચોથા એપિસોડના એક સીનમાં વિન્ટરફેલમાં સ્ટારબક્સનો કોફી કપ જોવા મળી રહ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ ભૂલનો ફાયદો ઉઠાવ્યો અને તેના પર મજાક ઉડાવતા અનેક મીમ્સ શેર કર્યા, જ્યારે બાકીના લોકોએ મેકર્સને આવા બેજવાબદાર રહેવા માટે ઠપકો આપ્યો. આ ઉપરાંત, આઠમી સીઝનમાં ડિનેરિયસ ટાર્ગેરિયનના પાત્રને જે રીતે દર્શાવવામાં આવ્યું તેનાથી પણ અનેક લોકો નારાજ થયા છે. જોકે આ પિટિશન પર એચબીઓએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.