Site icon Revoi.in

તડકામાં નમાજ પઢતા બાળકને તિલકધારી બાળકે કરી આપ્યો ગમછાનો છાંયો, યુઝર્સ બોલ્યા ‘સુભાનઅલ્લાહ’!

Social Share

‘હિંદુ-મુસ્લિમ-સીખ-ઈસાઈ, હમ સબ હૈ ભાઈ-ભાઈ’. સ્કૂલમાં આ જ વાક્ય બાળકોને ગોખાવી દેવામાં આવે છે. પરંતુ, મોટા થયા પછી બહુ ઓછાં લોકો એવા હોય છે જેમને આ વાત યાદ રહે છે. પરંતુ બાળકો ધર્મ અને મજહબ વચ્ચેનો ભેદ નથી સમજના અને તેઓ પ્રેમથી જીવતા શીખવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક ફોટોએ પણ આવો જ એક સંદેશ આપ્યો છે.

વાયરલ ફોટામાં એક મુસ્લિમ બાળક સખત તડકામાં બેસીને નમાજ પઢી રહ્યો છે, ત્યારે એક હિંદુ વેશભૂષામાં તિલકધારી બાળક તેને તડકાથી બચાવવા માટે પોતાના ગમછાથી તેના માથે છાંયો કરે છે. આ ક્ષણને કોઈએ કેમેરામાં કેદ કરી લીધી અને ફોટાને વાયરલ પણ કરી દીધો. વાયરલ ફોટાના સંદેશની ચર્ચા દરેક જણ કરી રહ્યું છે અને આ ફોટાને અલગ-અલગ પેજ પર શેર કરવામાં આવી રહ્યો છે.

વાયરલ ફોટામાં જમીન પર ઘૂંટણ ટેકવીને બેઠેલો મુસ્લિમ બાળક નમાજ પઢતો જોવા મળી રહ્યો છે. તેણે આંખો બંધ કરેલી છે. જ્યારે તેને તડકાથી બચાવતો તિલકધારી બાળક પણ પોતાની ધૂનમાં લીન છે. આ જોઇને લાગે છે કે બંને પોતપોતાની સાધનામાં ખોવાયેલા છે. બે માસૂમોના આવા હૃદયને સ્પર્શે તેવા નજારાને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફોટો ક્યાનો છે અને કોણે લીધો છે તેની જાણ થઈ શકી નથી, પરંતુ યુઝર્સે ફોટા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

વાયરલ ફોટા પર પોતાની પ્રતિક્રિયા આપતા સલીમ નામના એક યુઝરે લખ્યું છે કે જે રીતે સાંપ્રદાયિકતાનો માહોલ જામેલો છે, તેમાં આ પ્રકારના સંદેશાની બહુ જરૂર છે. ધર્મબીર નામના યુઝરે લખ્યું છે કે કાશ અમે મોટાં જ ન થયા હોત અને ન તો ધર્મ અને જાતિ વચ્ચે કોઇ ફરક કરતા હોત. સાયરા નામની યુઝરે લખ્યું છે કે ધર્મ પરસ્પર વેર કરવાનું નથી શીખવાડતો તે વાત આ ફોટો સમજાવી રહ્યો છે. જ્યારે આદિત્ય નામના યુઝરે લખ્યું છે કે માત્ર રિવાજ જુદો છે બાકી સહુનો માલિક એક જ છે. સફીદાએ કોમેન્ટમાં લખ્યું છે સુભાનઅલ્લાહ!