Site icon Revoi.in

‘બધો ગુસ્સો’વાળી મોદીની કોમેન્ટનો ટ્વિંકલ ખન્નાએ આપ્યો જવાબ, કહ્યું- ખુશી છે PM મારા લખાણને વાંચે છે

Social Share

બુધવારની સવારે જ્યારે ફિલ્મસ્ટાર અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇનફોર્મલ ઇન્ટરવ્યુ કર્યો, ત્યારે મોદીએ અક્ષયકુમારને કહ્યું કે તેની પત્ની ટ્વિંકલ ખન્ના ટ્વિટર પર ઘણીવાર તેમના વિશે ટીકાત્મક લખે છે. મોદીની આ કોમેન્ટના જવાબમાં મિસિસ ફનીબોન્સના નામે લખતી ટ્વિંકલ ખન્નાએ ટ્વિટર પર લખ્યું કે તે આ કોમેન્ટને ઘણી પોઝિટિવ રીતે લઈ રહી છે, કારણકે વડાપ્રધાનને તેના હોવાની તો ખબર છે જ પરંતુ તેઓ તેનું લખાણ વાંચે પણ છે.

અક્ષય કુમાર સાથેના પીએમ નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ પૂરો થયાની થોડી ક્ષણો પછી ભારતીય જનતા પાર્ટીના ટ્વિટર હેન્ડલ પરથી મોદીની ટ્વિંકલ ખન્ના વિશેની રિમાર્ક ટ્વિટ કરવામાં આવી હતી. તેના જવાબમાં ટ્વિંકલ ખન્નાએ ટ્વિટ કરી કે, “હું આ કોમેન્ટને ઘણી પોઝિટિવ રીતે જોઈ રહી છું. વડાપ્રધાનને મારા હોવાની જાણ તો છે જ પરંતુ તેઓ મારું કામ વાંચે પણ છે.”

પીએમ મોદી સાથેના ઇન્ટરવ્યુ દરમિયાન અક્ષયકુમારે તેમને પૂછ્યું કે, શું તેઓ ટ્વિટર પર લોકોને સક્રિય રીતે ફોલો કરે છે. તેના જવાબમાં મોદીએ કહ્યું, “હું તમારું ટ્વિટર પણ જોઉં છું અને ટ્વિંકલ ખન્નાજીનું ટ્વિટર પણ જોઉં છું. ક્યારેક ક્યારેક તો મને લાગે છે કે તે ટ્વિટર ઉપર મારા પરનો ગુસ્સો કાઢે છે, તો તેના કારણે તમારા પારિવારિક જીવનમાં ઘણી શાંતિ રહેતી હશે. તેમનો તમામ ગુસ્સો મારા પર નીકળી જતો હશે, એટલે તમને આરામ રહેતો હશે. તો એ રીતે હું તમારે કામ આવ્યો છું.”

આ ઇન્ટરવ્યુમાં પીએમએ એ પણ જણાવ્યું કે તેઓ ટ્વિંકલ ખન્નાના નાના ચુન્નીભાઈ કાપડિયાને ઘણા વર્ષો પહેલા મળ્યા હતા. તે કિસ્સાને વર્ણવતા પીએમએ કહ્યું, “ગુજરાતમાં એક બહુ મોટો દુષ્કાળ પડ્યો હતો, ત્યારે અમે લોકો કંઇ ને કંઇ સામાજિક કામ કરતા હતા. તેમાં અમે છાશના કેન્દ્રો ચલાવતા હતા.” મોદીએ જણાવ્યું કે ત્યારે એક જાણીતા મિઠાઈની દુકાનના માલિકે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન તેમની મુલાકાત ચુન્નીભાઈ સાથે કરાવી હતી. મોદીએ કહ્યું, “તેમણે ડોનેશન આપ્યું હતું અને અમે મોટી સંખ્યામાં છાશ કેન્દ્રો શરૂ કર્યા હતા. તે સમયે મારી તેમના નાનાજી સાથે મુલાકાત થઈ હતી. તેમની સાથે ઘણી વાતો થઈ હતી.”

ટ્વિંકલ ખન્ના એક કોલમિસ્ટ અને લેખિકા છે. 2018માં આવું તેમનું છેલ્લું પુસ્તક ‘Pyjamas Are Forgiving’ હિટ રહ્યું હતું. ટ્વિટર પર પોતાના લિબરલ વિચારો માટે ટ્વિંકલ જાણીતી છે અને તેણે ઘણીવાર તેની પોલિટિકલ વિચારધારાઓ બાબતે કહ્યું છે જે તેના પતિ અક્ષયકુમાર કરતા અલગ છે.