Site icon Revoi.in

ચીન પહોંચેલા પાક. PMના સ્વાગત માટે કોઈ મોટો અધિકારી ન રહ્યો હાજર, મેયરે કર્યું સ્વાગત!

Social Share

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ગુરૂવારે બેઇજિંગમાં યોજાઈ રહેલા ‘બેલ્ટ એન્ડ રોડ સમિટ’ (BRI)માં સામેલ થવા માટે ચીન પહોંચ્યા છે. તેઓ ચાર દિવસ સુધી ચીનના પ્રવાસે છે. ચીનનો આ તેમનો બીજો પ્રવાસ છે. આ પહેલા ઇમરાન નવેમ્બર મહિનામાં ચીન ગયા હતા.

બેઇજિંગમાં પહોંચ્યા પછી વડાપ્રધાન ઇમરાન ખાનનું જેવું સ્વાગત થયું, તેને જોઇને કોઈને ન લાગ્યું કે પાકિસ્તાન ચીનનું સૌથી જિગરજાન દોસ્ત છે. જ્યારે ઇમરાન ખાન પહોંચ્યા તો તેમનું સ્વાગત કરવા માટે ચીનનો કોઈ મોટો અધિકારી ન પહોંચ્યો.

તેમને રિસીવ કરવા માટે બેઇજિંગની મ્યુનિસિપલ કમિટીની ડેપ્યુટી સેક્રેટરી જનરલ લી લિફેંગ પહોંચી. તેમની સાથે પાકિસ્તાનમાં ચીની રાજદૂત યાઓ જિંગ અને ચીનમાં પાકિસ્તાની રાજદૂત મસૂદ ખાલિદ હાજર હતા.

વડાપ્રધાનની સાથે રેલવેમંત્રી રાશિદ અહેમદ, જળમંત્રી મોહમ્મદ ફૈઝલ ચાવડા, નાણાકીય સલાહકાર ડૉ. અબ્દુલ હાફિઝ શેખ સહિત ઘણા મંત્રીઓ પણ ચીન પહોંચ્યા છે. વડાપ્રધાન ઇમરાન ખાને ચીન જતા પહેલા કહ્યું હતું કે, “ચીન અમારો સૌથી નજીકનો દોસ્ત છે અને અમારો ભાઈ છે. હું મારા દોસ્ત રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા માટે ઉત્સુક છું.”

પાક પીએમ ચીન સાથેની પોતાની દોસ્તીના ગુણગાન કરતા થાકતા નહોતા. તેમણે કહ્યું, ‘ચીન સાથે અમારી દોસ્તી અમારા લોકોના હૃદય અને મગજમાં વસેલી છે. કોઈપણ ક્ષેત્રીય કે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી તે પ્રભાવિત નહીં થાય.’