Site icon Revoi.in

IMFના નવા પ્રમુખની દોડમાં ડૉ. રઘુરામ રાજનનું નામ સૌથી આગળ

Social Share

આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના નવા મેનેજિંગ ડાયરેક્ટર બને તેવી શક્યતા આકાર લઈ રહી છે. બ્રિટિશ મીડિયા પ્રમાણે, તેમનું નામ આ પદ માટેની દોડમાં સૌથી આગળ ચાલી રહ્યું છે.

બ્રિટનના વિદેશ મંત્રાલયની સમક્ષ એ માગણી કરવામાં આવી રહી છે કે તેઓ આ પદ પર આ વખતે કોઈ ભારતીયના નામનું સમર્થન કરે, તેના પછી રાજનના આઈએમએફના પ્રમુખ પદ માટે નિયુક્ત થવાની સંભાવનાઓ ઘણી મજબૂત થઈ ગઈ છે.

આઈએમએફના એમડી પદની દોડમાં રાજન સિવાય બેંક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની, ડેવિડ કેમરુન સરકારમાં ચાન્સેલર રહી ચુકેલા જોર્જ ઓસબોર્ન અને નેધરલેન્ડના ભૂતપૂર્વ નાણાં પ્રધાન જેરોઈન ડિજસ્સેલબ્લોએમના નામ પર અટકળબાજી ચાલી રહી છે.

મહત્વપૂર્ણ છે કે આઈએમએફના નિવર્તમાન એમડી ક્રિસ્ટીન લેગાર્ડે ગત સપ્તાહે જ રાજીનામું આપ્યું હતું. તેમનું રાજીનામું 12 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. હિંદુસ્તાન ટાઈમ્સ પ્રમાણે, ક્રિસ્ટીન લેગાર્ડ યુરોપીયન સેન્ટ્રલ બેંકના પ્રેસિડેન્ટ બનવા જઈ રહ્યા છે. તેના પહેલા એ વાતની પણ ચર્ચા હતી કે રઘુરામ રાજનને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર બનાવવામાં આવે તેવી શક્યતા છે. જો કે રાજને આનો ઈન્કાર કરતા કહ્યુ છે કે તેમણે આ પદ માટે અરજી જ કરી નથી.

એ માગણી વધતી જઈ રહી છે કે આ વખતે આઈએમએફના પ્રમુખ યૂરોપ અને અમેરિકાથી બહારના કોઈ વ્યક્તિને બનાવવામાં આવે. બ્રિટનના વિદેશી મામલાની સમિતિના ચેરમેન ટિમ ટુગેનઢતે વિદેશ પ્રધાન જેરેમી હંટને એક લેટર લખીને આ માગણી કરી છે અને ત્યાંના અખબર સન્ડે ટાઈમ્સ પ્રમાણે 53 વર્ષીય રાજન સૌથી મજબૂત દાવેદાર લાગી રહ્યા છે.

સન્ડે ટાઈમ્સના ઈકોનોમિક એડિટર ડેવિડ સ્મિથે લખ્યુ છે કે આ બિલકુલ યોગ્ય સમય છે કે આ પદ કોઈ ઉભરતા બજારવાળા કેન્ડિડેટને મળે. ભારતની કેન્દ્રીય બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન આના માટે યોગ્ય છે, કારણ કે તેઓ તેના પહેલા અઅર્થશાસ્ત્રી પણ રહી ચુક્યા છે. રાજન હાલ શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.

રઘુરામ ગોવિંદ રાજન આરબીઆઈના 23મા ગવર્નર હતા. તેમનો જન્મ 3 ફેબ્રુઆરી-1963ના રોજ ભોપાલમાં થયો હતો. 4 સપ્ટેમ્બર-2013ના રોજ ડી. સુબ્બારાવના સ્થાને તેમે આરબીઆઈના ગવર્નર તરીકે પદભાર સંભાળ્યો હતો અને સપ્ટેમ્બર-2016 સુધી તેઓ આ પદ પર રહ્યા હતા.

આ પહેલા યુપીએ સરકાર દરમિયાન વડાપ્રધાન મનમોહનસિંહના મુખ્ય આર્થિક સલાહકાર અને શિકાગો યુનિવર્સિટીના બૂથ સ્કૂલ ઓફ બિઝનસમાં એરિક જે. ગ્લીચર ફાયનાન્સના એમિનેન્ટ સર્વિસ પ્રોફેસર રહી ચુક્યા છે. 2003થી 2006 સુધી તેઓ આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી અને રિસર્ચ ડાયરેક્ટર રહ્યા. ભારતમાં નાણાંકીય સુધારણા માટે યોજના પંચ દ્વારા નિયુક્ત સમિતિનું તેમણે નેતૃત્વ પણ કર્યું છે.

1985માં તેમણે આઈઆઈટી દિલ્હીથી ઈલેક્ટ્રિકલ એન્જિયનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આઈઆઈએમ અમદાવાદથી તેમણે 1987માં એમબીએ કર્યું અને મેસાચુસેટસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી 1991માં તેમણે અર્થશાસ્ત્ર વિષયમાં પીએચડી કર્યું હતું.