Site icon Revoi.in

RIL આ વર્ષના અંત સુધીમાં કરશે ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ, ચાલી રહ્યું છે એપ ટેસ્ટિંગ

Social Share

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રિટેઇલ કંપની રિલાયન્સ રિટેઇલ લિમિટેડ પોતાના ઇ-કોમર્સ સાહસના કમર્શિયલ લોન્ચ પહેલા કર્મચારીઓમાં તેની ફૂડ એન્ડ ગ્રોસરી એપનું ટેસ્ટિંગ કરી રહી છે. આ એવી જ સ્ટ્રેટેજી છે જે રિલાયન્સ જીયો ઇન્ફોકોમ લિમિટેડે તેની 4G ટેલિકોમ સર્વિસના લોન્ચ પહેલા અપનાવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વર્ષના અંત સુધીમાં ગ્રોસરી એપને લોકો સુધી અવેલેબલ કરવામાં આવશે અને એપ પર આપવામાં આવેલા ઓર્ડર્સ સ્થાનિક વેપારીઓ દ્વારા પૂરા કરવામાં આવશે. ઇ-કોમર્સ માર્કેટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એન્ટ્રી ઓનલાઈન રિટેઇલ ઇન્ડસ્ટ્રીમાં વધારો કરશે અને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓને ટક્કર આપશે.

ભારતમાં ફૂડ અને ગ્રોસરી (અનાજ અને કરિયાણું) એ સૌથી વધુ વપરાશમાં લેવાતી કેટેગરી છે, જે ભારતના રિટેઇલ માર્કેટનો બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે, તેમ છતાંપણ આ કેટેગરીમાં ઓનલાઇન વેચાણ અમુક મોટા શહેરો પૂરતું જ મર્યાદિત છે.  

સિનિયર ફોરકાસ્ટ એનાલિસ્ટ સતીશ મીણા જણાવે છે કે, અમને લાગે છે કે રિલાયન્સ રિટેઇલ ઇ-કોમર્સ માર્કેટ માટે ઘણી સુટેબલ છે. તેમની પાસે મૂડીની તાકાત છે, ઓફ્ફલાઈન પ્રેઝન્સ પણ સારી છે. તેમની પાસે ઘણી મોટી બ્રાન્ડ્સ છે અને મહત્વના ગ્રોસરી ઓપરેશન્સ પણ છે. જો આ દિવાળી પર નહીં થાય તો આવતા વર્ષે ઇ-કોમર્સ વેન્ચર નિશ્ચિતપણે લોન્ચ થઈ જ જશે. આ વેન્ચર પ્રવર્તમાન ઇ-કોમર્સ કંપનીઓને તો પડકાર આપશે જ સાથે નવા ખરીદદારોને પણ આકર્ષશે.

રિલાયન્સ રિટેઇલ નજીકના સ્ટોર્સ, સુપરમાર્કેટ્સ, હાયપરમાર્કેટ્સ અને હોલસેલ, સ્પેશિયાલિટી અને ઓનલાઇન સ્ટોર્સ ચલાવે છે. પોતાના ઇ-કોમર્સ વેન્ચર માટે RIL સ્થાનિક વેપારીઓ સાથે કોન્ટ્રાક્ટ કરવાનો વિચાર કરી રહી છે, જેનાથી તેમનું વેચાણ O2O (ઓનલાઇન-ટુ-ઓનલાઈન) માર્કેટપ્લેસ દ્વારા વધારી શકાય. O2O બિઝનેસ મોડેલનો પાયો ચાઈનીઝ કંપની અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડે નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરી મહિનામાં RILના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેઈલ સાથે મળીને દેશમાં નવું ઇ-કોમર્સ પ્લેટફોર્મ શરૂ કરશે અને આ પ્લેટફોર્મ મેળવનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે.