Site icon Revoi.in

સાનિયા મિર્ઝાએ વર્લ્ડકપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને આપ્યા જીતના અભિનંદન તો ટ્વિટર પર ટ્રેન્ડ થયું ‘ભાભી’

Social Share

ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થઈ ચૂક્યો છે. ભારત પોતાની પહેલી મેચ 5 જૂનના રોજ દક્ષિણ આફ્રિકા સાથે રમવાનું છે. પરંતુ આ મેચ પહેલા સોમવારે ભારતના પાડોશી દેશ પાકિસ્તાને રમેલી મેચે બધાનું ધ્યાન ખેંચ્યું. પાકિસ્તાને ઇંગ્લેન્ડની સામે 349 રનોનો લક્ષ્યાંક રાખ્યો હતો.

આ લક્ષ્યાંકનો પીછો કરી રહેલી યજમાન ઇંગ્લેન્ડની ટીમ 334 રન પર સમેટાઇ ગઇ. પાકિસ્તાન તરફથી સૌથી વધુ 84 રન મોહમ્મદ હાફિઝે બનાવ્યા. મેચ જીતવા પર પાકિસ્તાનની ટીમને અભિનંદન આપનારા લોકોમાં ટેનિસ પ્લેયર અને પાકિસ્તાન ક્રિકેટર શોબ મલિકની પત્ની સાનિયા મિર્ઝા પણ સામેલ હતી.

જોકે મેચમાં શોએબ મલિક માત્ર 8 રન બનાવી શક્યો હતો પરંતુ શોએબ ઇંગ્લેન્ડના બેટ્સમેન સ્ટોક્સની વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો. સાનિયા મિર્ઝાએ ટ્વિટ કર્યું, ‘પાકિસ્તાનની ટીમને જીતની સાથે જોરદાર વાપસી માટે અભિનંદન. મેચ દર વખતની જેમ અદ્ભુત રહી. ક્રિકેટ વર્લ્ડકપ રસપ્રદ બની રહ્યો છે.’

સાનિયાના આ ટ્વિટ પછી પાકિસ્તાનમાં લોકોની પ્રતિક્રિયાઓ આવવી શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનમાં મંગળવારે સવારે ‘ભાભી’ ટ્વિટરના ટોપ ટ્રેન્ડ્સમાં સામેલ રહ્યું. @dreamiiiii_girl ટ્વિટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું, ‘ભાભી તમને ગ્રાઉન્ડમાં મિસ કરી રહ્યા છે. શોએબ મલિક સાથે.’

હુસૈન બાજવાએ લખ્યું, ‘શુક્રિયા સાનિયા ભાભી. ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચમાં તમને જોઇશું.’

હસીબ અસલમે ટ્વિટર પર લખ્યું, ‘સાનિયા ભાભી, હું હંમેશાંથી એ જાણવા માંગું છું કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચમાં તમે કોનું સમર્થન કરશો?’ 16 જૂનના રોજ ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે.

એક યુઝરે લખ્યું, ‘સાનિયા મેમ, 16 જૂનના રોજ તમે કઇ ટીમને ચિયર કરશો. પાકિસ્તાન કે ભારત?’

તૌકીર અહેમદે ટ્વિટ કર્યું, ‘સાનિયાને પૂરો હક છે કે તેઓ પાકિસ્તાનની જીત પર ખુશ થઈ શકે અને અમે બધા સાનિયાનું એ રીતે સન્માન કરીએ છીએ જેમકે તે અમારી સગી ભાભી છે.’

ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપમાં પાકિસ્તાનની શરૂઆત સારી નહોત રહી. વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ રમવામાં આવેલી પહેલી મેચમાં પાકિસ્તાની ટીમ ફક્ત 105 રન બનાવી શરી હતી, જેને વેસ્ટઇન્ડિઝની ટીમે સરળતાથી ચેઝ કરી લીધા હતા. ત્યારે પાકિસ્તાની ટીમની જબરદસ્ત ટીકા થઈ હતી. ત્યારે પાકિસ્તાની બોલર હસન અલીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યું. હસન અલીએ કહ્યું હતું, પિઝા જંક ફૂડ નથી અને તે રિકવરી માટે સારા હોય છે.

તેના પર લોકોએ હસન અલીની ઘણી મજાક ઉડાવી. ત્યારે સાનિયાએ એક ટ્વિટ કરીને કહ્યું, હસન અલીએ સાચું કહ્યું છે. પિઝા લાંબા અને મુશ્કેલ મેચોમાં રિકવરી માટે સારા હોય છે. બસ તે પિઝા ચીઝી નહીં પરંતુ શાકભાજીવાળો હોવો જોઇએ. કાર્બોહાઇડ્રેટ રિકવરી માટે સારું હોય છે.