Site icon Revoi.in

મધ્યપ્રદેશના ભોપાલમાં શેરી શ્વાનનો આતંકઃ 3 વર્ષની બાળકી ઉપર શ્વાનોએ કર્યો હુમલો

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના બગસેવાનિયાના અંજલિ વિહાર ફેઝ-2માં પાંચ રખડતા શ્વાનોએ ત્રણ વર્ષની માસૂમ બાળકી ઉપર હુમલો કર્યો હતો. તેમજ બાળકીને અનેક જગ્યાએ બચકા ભર્યાં હતા. આ ઘટનાને મધ્યપ્રદેશ માનવ અધિકાર આયોગે ગંભીરતાથી લઈને રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાળકીના પિતા અહીં બાંધકામની સાઈટ ઉપર મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળે છે. બાળકી નજીકમાં રમી રહી હતી ત્યારે રખડતા કૂતરાઓના ટોળાએ અચાનક બાળકી પર હુમલો કર્યો અને તેને નખૂર્યા ભર્યાની સાથે બચકાં ભર્યા હોવાનું જાણવા મળે છે. બાળકીને માથા, કાન અને હાથ સહિત શરીરે અનેક જગ્યાએ ઈજાઓ થઈ છે. રખડતા કુતરાઓના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીની હાલ સારવાર ચાલી રહી છે. મધ્ય પ્રદેશ માનવ અધિકાર પંચે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અને ભોપાલ જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી આગામી સાત દિવસમાં આ ઘટના અંગે જવાબ માંગ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભોપાલમાં શ્રમજીવી પરિવારની બાળકી ઉપર શેરી કુતરાઓએ કરેલા હુમલાને પગલે લોકોમાં ભય ફેલાયો છે. તેમજ સમગ્ર ઘટનામાં જવાબદારો સામે પગલા ભરવાની માંગણી સાથે રખડતા કુતરાઓનો ત્રાસ દુર કરવાની માંગણી કરી છે.