Site icon Revoi.in

શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરનારા આતંકીઓ ટ્રેનિંગ માટે કાશ્મીર ગયા હતા : શ્રીલંકાના સેનાધ્યક્ષ

Social Share

કોલંબો: શ્રીલંકાના સેના પ્રમુખે કહ્યુ છે કે તેમના દેશમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરનારા આતંકવાદીઓ ટ્રેનિંગ માટે ભારતના કાશ્મીરની મુલાકાતે ગયા હતા. લેફ્ટિનેન્ટ જનરલ મહેશ સેનાનાયકે પહેલા સૈન્ય અધિકારી છે કે જેમણે હુમલા પહેલાની આતંકવાદી ગતિવિધિઓ પર નિવેદન આપ્યું છે. સેનાનાયકેએ કહ્યુ છે કે ગુપ્ત જાણકારી મુજબ આતંકી કાશ્મીર સિવાય બેંગાલુરુ અને કેરળના કેટલાક ભાગોમાં પણ ગયા હતા.

બીબીસીને આપેલા ઈન્ટરવ્યૂમાં સેનાનાયકેએ કહ્યુ છે કે મને પુરી જાણકારી નથી કે આતંકવાદીઓનો ભારત જવાનો ઉદેશ્ય શું હતો. પરંતુ એ નક્કી છે કે તેઓ કોઈપણ રીતે ટ્રેનિંગ અથવા અન્ય આતંકી સંગઠનો સાથે સંપર્ક સાધવા ચાહતા હતા. તેમણે એમ પણ કહ્યુ હતુ કે હુમલાને પાર પાડવાની રીતથી લાગે છે કે આતંકવાદીઓએ આનું ષડયંત્ર સ્થાનિક નહીં, પરંતુ બહારના કોઈની મદદથી બનાવ્યું હતું. 21 એપ્રિલે શ્રીલંકામાં આઠ વિસ્ફોટોમાં 253 લોકો માર્યા ગયા હતા. જેમાં 10 ભારતીયો સહીત 39 વિદેશી નાગરિકો પણ સામેલ હતા.

ભારત તરફથી ગુપ્ત જાણકારી મળવાના સવાલ પર શ્રીલંકાના સેનાધ્યક્ષે કહ્યુ છે કે અમને ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા હતા. અમારી મિલિટ્રી ઈન્ટેલિજન્સની જાણકારી કોઈ અન્ય દિશામાં હતી. જાણકારીની આપ-લે કરવામાં જે મુશ્કેલી હતી, તે હવે સૌની સામે છે. જો કે તેમણે આ ચૂક માટે કોઈને પણ જવાબદાર ઠેરવવાનો ઈન્કાર કર્યો છે.

તો શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ કહ્યુ છે કે દેશમાં આવેલા મદરસાઓને હવે ધાર્મિક અને સાંસ્કૃતિક મંત્રાલય નિયંત્રિત કરશે. શિક્ષણ પ્રધાન અકિલા વિરાજ કરિયાવસમે આની પુષ્ટિ કરતા કહ્યુ છે કે વિક્રમસિંઘે આને જરૂરી માને છે. તેઓ આ મામલામાં કોઈ વિવાદ ઈચ્છતા નથી. માટે તેમણે આ નિર્ણય કર્યો છે. તાજેતરમાં અહેવાલ આવ્યા હતા કે શ્રીલંકાના મદરસાઓમાં ભણનારા લગભગ 800 વિદેશી ધર્મગુરુ ટૂરિસ્ટ વીઝા પર હતા. તેથી આ લોકોને તેમના દેશમાં ડિપોર્ટ કરી દેવામાં આવશે.

બટ્ટીકલોઆમાં જ એક ઠેકાણા પર દરોડા દરમિયાન પોલીસને ઈસ્લામિક સ્ટેટના ઝંડા, મિલિટ્રીની વર્દી, સુસાઈડ જેકેટ, 150 જિલેટિન સ્ટિક, હજારો સ્ટીલ પેલેટ અને ડ્રોન કેમેરા મળ્યા હતા. સુરક્ષા પરિષદની બેઠકમાં અધિકારીઓએ નિર્ણય કર્યો હતો કે આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી ખતરો સંપૂર્ણપણે દૂર થઈ જાય નહીં.

શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ બાદથી જ લગભગ 10 હજાર સૈનિક આતંકી ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહીમાં લાગેલા છે. અત્યાર સુધી લગભગ 100 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમા પાકિસ્તાની નાગરિકોનો એક સમૂહ પણ સામેલ છે. રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ શુક્રવારે કહ્યુ હતુ કે આઈએસ સાથે જોડાયેલા 10 શકમંદોની શોધખોળ થઈ રહી છે.