Site icon Revoi.in

પોક્સો કાયદાના દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, 10 થી વધુ ખોટા કેસ રદ કરાયાં

Social Share

નવી દિલ્હી, 1 મે 2026: લગ્ન અને અન્ય વ્યક્તિગત વિવાદોમાં ફાયદો મેળવવા અથવા સામા પક્ષને હેરાન કરવા માટે ‘પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ’ એક્ટ હેઠળ નોંધાતા ખોટા અને પાયાવિહોણા કેસોની વધતી સંખ્યા પર સુપ્રીમ કોર્ટે ભારે ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી છે કે, ફોજદારી કાયદાનો આવો ગંભીર દુરુપયોગ નિર્દોષ લોકોને ભારે માનસિક અને સામાજિક કષ્ટ પહોંચાડે છે અને સાથે જ ન્યાયિક વ્યવસ્થા પર બિનજરૂરી બોજ વધારે છે. એક મહત્વપૂર્ણ ચુકાદા દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, વૈવાહિક અને પારિવારિક વિવાદોમાં પોક્સો કાયદા હેઠળ પતિ અને ખાસ કરીને સગીર દીકરીઓના પિતા સામે ગંભીર આક્ષેપો કરવાની પ્રવૃત્તિ ચિંતાજનક રીતે વધી રહી છે.

સુપ્રીમ કોર્ટના અવલોકન અનુસાર, આવી ગંભીર ફરિયાદોનો ઉપયોગ કેટલીકવાર વૈવાહિક મુકદ્દમાઓમાં ફાયદો મેળવવા કરતાં સામા પક્ષ પાસેથી મોટું આર્થિક વળતર મેળવવા માટેના હથિયાર તરીકે કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં તો માત્ર વિરોધી પક્ષના પરિવારને હેરાન-પરેશાન કરવાની જ બદઇરાદાપૂર્વકની મનશા હોય છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની બળાત્કાર સંબંધિત જોગવાઈઓ હેઠળ એક પતિ અને તેના પરિવારના સભ્યો સામે નોંધાયેલા ૧૦થી વધુ ગુનાહિત કેસોને રદ કરતા આ આકરા આદેશો આપ્યા હતા.

પત્ની દ્વારા દાખલ કરાયેલા આ કેસો પૈકીના એક કેસમાં એવો આક્ષેપ કરાયો હતો કે, તેની 14 વર્ષની સગીર પુત્રી પર તેના પતિ અને દિયરે બળાત્કાર ગુજાર્યો હતો, તેમજ પરિવારના અન્ય સભ્યોએ તેની સાથે મારપીટ કરી હતી. જો કે, કોર્ટે તમામ પુરાવાઓ ચકાસ્યા બાદ આ કેસોને તદ્દન પાયાવિહોણા, ઉપજાવી કાઢેલા અને ભ્રમિત કરનારા ગણાવીને ફગાવી દીધા હતા. બાળકોને ઓનલાઈન શોષણ સહિતના તમામ પ્રકારના જાતીય અપરાધોથી સુરક્ષિત રાખવા માટે વર્ષ 2012માં પોક્સો કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કાયદાના આ પ્રકારના દુરુપયોગને રોકવા માટે કડક વલણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેથી કાયદાનો અસલી હેતુ જળવાઈ રહે અને કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ ન લેવાય.

 

Exit mobile version