Site icon Revoi.in

સ્વિમિંગ કોચે સગીર એથ્લીટની કરી છેડતી, કિરન રિજિજૂએ મામલો લીધો ધ્યાને, કોચને આખા દેશમાં ક્યાંય નહીં મળે નોકરી

Social Share

સોશયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મૂળભૂત રીતે પશ્ચિમ બંગાળના વતની અને હાલ ગોવાના માપુસામાં રહીને સ્વિમિંગ કોચનું કામ કરી રહેલા સુરજીત ગાંગુલીને 15 વર્ષીય રાષ્ટ્રીય સ્તરની એથ્લીટ સાથે ક્રૂરતાપૂર્વક છેડછાડ કરતો જોઈ શકાય છે. સોશયલ મીડિયા પર આ વીડિયોને ઘણો શેયર કરવામાં આવ્યો છે, તેના દ્વારા સ્વિમિંગ કોચની શરમજનક હરકત પ્રશાસન સુધી પહોંચી શકી છે.

લોકો દ્વારા મોટા પ્રમાણમાં વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. ખેલ પ્રધાન કિરન રિજિજૂએ સ્વિમિંગ કોચની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ઘટનાને ધ્યાન પર લેતા રિજિજૂએ લખ્યું છે કે મે આ ઘટના પર ગહન વિચાર કર્યો. ગોવા સ્વિમિંગ એસોસિએશનના કોચ સુરજીત ગાંગુલીનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરી દીધો છે. હું ભારતના તૈરાકી સંઘને એ સુનિશ્ચિત કરવા માટે કહી રહ્યો છું કે આ કોચને ભારતમાં ક્યાંય પણ કામ આપવામાં આવે નહીં. આ તમામ ફેડરેશન અને શિક્ષણ સંસ્થાઓ પર લાગુ છે.

યુવા મામલા અને ખેલ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર પ્રભાર) કિરન રિજિજૂએ પોલીસને આ જઘન્ય અપરાધ બદલ કોચની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા માટે આગ્રહ કર્યો છે.

સ્વિમિંગના ક્ષેત્રમાં આનાથી પહેલા પણ શરમજનક ઘટનાઓ સામે આવી ચુકી છે. અહેવાલ મુજબ, 2018માં પેરા સ્વિમિંગ કોચ પર રેપના આરોપને કારણે ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એક મહિલાએ કોચ પર જયપુરમાં થયેલી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ દરમિયાન જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આના સિવાય 2016માં કોચ પર એક સાત વર્ષની બાળકીના જાતીય ઉત્પીડનનો પણ આરોપ લાગ્યો હતો. બાદમાં કોચને પોલીસે કસ્ટડીમાં લીધો હતો.