Site icon Revoi.in

સ્વિટ્ઝરલેન્ડે ભારતીય સ્વિસ અકાઉન્ટ હોલ્ડર્સના નામ શેર કરવાની પ્રક્રિયા કરી ઝડપી, 1 દિવસમાં 11 ભારતીયોને નોટિસ

Social Share

કાળું નાણું છુપાવવા માટે ડેસ્ટિનેશન તરીકે પ્રખ્યાત રહેલા સ્વિટ્ઝરલેન્ડે ભારતની સાથે સ્વિસ બેંક અકાઉન્ટ હોલ્ડર્સના નામ શેર કરવામાં ઝડપ દર્શાવી છે. ગયા અઠવાડિયે જ લગભગ 1 ડઝન ભારતીય અકાઉન્ટ હોલ્ડર્સને નોટિસ જાહેર કરવામાં આવી છે. માર્ચથી લઇને અત્યાર સુધી ઓછામાં ઓછા 25 અકાઉન્ટ હોલ્ડર્સને નોટિસ જાહેર કરીને સ્વિસ અધિકારીઓએ ભારત સાથે તેમની જાણકારીઓ શેર કરવા અંગે વાંધો ઉઠાવવાની અરજી માંગી છે. નોટિસમાં સ્વિટ્ઝરલેન્ડે ભારતીય ક્લાયન્ટ્સને ઇન્ફોર્મેશન શેરિંગ વિરુદ્ધ અપીલ કરવાની છેલ્લી તક આપી છે.

સ્વિસ બેંકોના વિદેશી ક્લાયન્ટ્સની જાણકારી શેર કરવાની સ્વિટ્ઝર્લેન્ડ સરકારી એજન્સી ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશનનું એનાલિસિસ કરવા પર જાણ થાય છે કે હાલના મહિનાઓમાં ઘણા દેશો સાથે જાણકારી શેર કરવાના પ્રયત્નોમાં ત્યાંની સરકાર તરફથી ઝડપ દર્શાવવામાં આવી છે. જોકે ભારત સાથે સંકળાયેલા આ પ્રકારના મામલાઓમાં છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી જ ઝડપ જોવા મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, ફક્ત 21 મેના રોજ જ ઓછામાં ઓછા 11 ભારતીયોને નોટિસ જાહેર કરવામાં આવી છે. સ્વિસ બેંકના ગેજેટ નોટિફિકેશનમાં ઘણા લોકોના પૂરા નામનો ઉલ્લેખ નથી, પરંતુ તેમની જન્મતારીખ અને નાગરિકત્વ દર્શાવવામાં આવ્યું છે. જોકે તેમાં 2 ભારતીય નામોનો ખુલાસો કરવામાં આવ્યો છે, કૃષ્ણ ભગવાન રામચંદ, જેમની જન્મતારીખ- મે, 1949 અને કલ્પેશ હર્ષદ કિનારીવાલા, જેમની જન્મતારીખ- સપ્ટેમ્બર, 1972. આ લોકો વિશે આ સિવાય વધુ જાણકારી સ્વિસ એજન્સીઓ તરફથી આપવામાં આવી નથી.

બાકી નોમોને ઉલ્લેખ ફક્ત તેમની જન્મતિથિ પ્રમાણે કરવામાં આવ્યો છે. નોટિફિકેશનમાં તમામને 30 દિવસની મહોલત આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પૂરતા ડોક્યુમેન્ટ્સ સાથે ભારત સાથે પ્રશાસનિક સહયોગ માટે જાણકારી શેર કરવા વિરુદ્ધ તમામ 30 દિવસની અંદર અપીલ કરી શકે છે. તેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સ્વિટ્ઝરલેન્ડ આ ક્લાયન્ટ્સની જાણકારી ભારતીય એજન્સીઓ સાથે ટુંક સમયમાં શેર કરી શકે છે.

7 મેના રોજ ભારતીય નાગરિક રતનસિંહ ચૌધરીને પણ આ પ્રકારની નોટિસ મોકલવામાં આવી હતી અને 10 દિવસની અંદર અપીલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કુલીપ સિંહ ઢીંગરા, અનિલ ભારદ્વાજ વગેરેને પણ આ પ્રકારની નોટિસ જાહેર થઈ ચૂકી છે. માનવામાં આવે છે કે આ નામોમાંથી ઘણાનો ઉલ્લેખ એચએસબીસી અને પનામા પેપર્સની લિસ્ટમાં પણ છે.