Site icon Revoi.in

કિમ જોંગની હાજરીમાં ફરી એકવાર ગાઈડેડ વેપનનું પરીક્ષણ, અમેરિકાએ નકાર્યું

Social Share

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે બે વખતની વાતચીત પછી પણ કોઈ રાહત પેકેજ ન મળવાથી ધૂંધવાયેલા ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ફરીથી જૂના રસ્તે ચાલી નીકળ્યા છે. કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સીએ જણાવ્યું છે કે બુધવારે ઉત્તર કોરિયાએ ગાઈડેડ વેપનનું પરીક્ષણ કર્યું. જોકે તેમાં એ જણાવવામાં નથી આવ્યું કે હથિયાર કેવા પ્રકારનું હતું. એજન્સીનું કહેવું છે કે કિમ સ્થળ પર હાજર હતા. તેમણે પરીક્ષણ કરનારી ટીમનો ઉત્સાહ પણ વધાર્યો.

નવેમ્બર 2018 પછી આ પહેલી ઘટના છે જ્યારે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ કોઈ હથિયારનું પરીક્ષણ જોવા પોતે હાજર રહ્યા હોય. એક દિવસ પહેલા જ તેમણે એરફોર્સ યુનિટની ફરીથી મુલાકાત લીધી હતી.  

એજન્સીનું કહેવું છે કે કિમ ઓબ્ઝર્વેશન પોસ્ટ પર હાજર હતા અને હથિયાર નિર્માણ કરનારી ટીમનો ઉત્સાહ વધારી રહ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે કિમ ઉત્તર કોરિયાને હથિયારોના મામલે સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવા માંગે છે.

ઉત્તર કોરિયાની સરકારી મીડિયાએ કિમ જોંગના હવાલાથી જણાવ્યું છે કે સરમુખત્યારે આને અતિશય મહત્વની ક્ષણ દર્શાવી. તેમનો દાવો છે કે સૈન્ય તાકાતને વધારવાની દિશામાં આ પરીક્ષણ કારગક નીવડશે. તેમનું કહેવું હતું કે આપણા વૈજ્ઞાનિક, એન્જિનિયર્સ અને લેબર હકીકતમાં મહાન છે. જો તેઓ ઇચ્છે તો કોઈપણ હથિયારનું નિર્માણ કરવામાં સક્ષમ છે.  

અમેરિકન સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેમની ઉત્તરી કમાન્ડને એવી કોઈ મિસાઇલ જોવા ન મળી, જેને પ્યોંગયાંગથી પરીક્ષણ માટે છોડવામાં આવી હતી. એક્સપર્ટ્સનું કહેવું છે કે બની શકે છે કે આ કોઈ નવી વિકસિત નાની રેન્જની ગાઈડેડ કે પછી ક્રૂઝ મિસાઈલ હોય. તેમનો ક્યાસ છે કે અમેરિકા સાથે વાતચીત નિષ્ફળ થયા પછી ઉત્તર કોરિયા કોઈ સંદેશ આપવા માંગતું હોય.

ટ્રમ્પ અને કિમની વચ્ચે પહેલી મુલાકાત 12 જૂન, 2018ના રોજ સિંગાપુરમાં થઈ હતી. આ વાતચીત ઘણી સફળ રહી હતી. બીજી વાતચીત વિયેતનામની રાજધાની હનોઈમાં ફેબ્રુઆરી 2019માં થઈ. લાંબી વાતચીત છતાંપણ આ મીટિંગનું કોઈ પરિણામ ન આવ્યું. આ પહેલા કિમ હાઇડ્રોજન બોમ્બ સહિત 6 પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યા હતા. ગયા વર્ષે 12 જૂનના રોજ સિંગાપુર વાતચીત પછી કિમે મિસાઈલ પરીક્ષણ અને એટમી કાર્યક્રમ સ્થગિત કરી દીધો હતો. વાતચીતમાં ટ્રમ્પ અને તેમની વચ્ચે પરમાણુ નિરસ્ત્રીકરણને લઈને સંમતિ બની હતી. ત્યારબાદ ઉત્તર કોરિયા અને અમેરિકાના ઓફિસર ઘણીવાર મુલાકાત કરી ચૂક્યા છે.