Site icon Revoi.in

કોલંબોમાં વધુ 87 બોમ્બ મળી આવ્યા, શ્રીલંકન સરકારને “આંતરરાષ્ટ્રીય નેટવર્ક” પર શંકા

Social Share

શ્રીલંકાના પાટનગર કોલંબોના બસ સ્ટેશન નજીક પોલીસને 87 બોમ્બ મળી આવ્યા છે. નિવેદન પ્રમાણે પોલીસને બાસ્ટિયન માવાથા પ્રાઈવેટ બસ સ્ટેન્ડ ખાતે 12 ડેટોનેટર્સ જમીન પર વિખરાયેલા અને 75 ડેટોનેટર્સ નજીકના કચરાના ઢગલામાં મળી આવ્યા હતા.

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ સોમવારે મધરાતથી રાષ્ટ્રવ્યાપી કટોકટી જાહેર કરી છે. જો કે આ કટોકટીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને અસર નહીં પહોંચે અને તેને માત્ર આતંકવાદનો સામનો કરવા સુધી મર્યાદીત રાખવામાં આવશે.

શ્રીલંકા વિસ્ફોટોની ઘટનામાં આંતરરાષ્ટ્રીય લિંકને શોધવા માટે વિદેશની મદદની માગણી પણ કરી છે. શ્રીલંકાની સરકારના એક નિવેદન પ્રમાણે ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સ મુજબ સ્થાનિક આતંકવાદીઓ પાછળ વિદેશી આતંકી જૂથો છે. તેથી રાષ્ટ્રપ્રમુખ અન્ય દેશો પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે.

23 એપ્રિલે રાષ્ટ્રીય શોક દિવસનું પણ શ્રીલંકાની સરકાર દ્વારા એલાન કરાયું છે.

શ્રીલંકાની સરકારે કર્ફ્યુ લાગુ કરવાના નવા આદેશ જાહેર કર્યા છે. નવા આધેશ મુજબ, કોલંબોમાં સોમવારે રાત્રિના આઠ વાગ્યાથી મંગળવારે સવારે ચાર વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.

શ્રીલંકાના આરોગ્ય પ્રધાન અને કેબિનેટના પ્રવક્તા રંજિત સેનારત્નેએ વિસ્ફોટો પાછળ ઓછું જાણીતું મુસ્લિમ સંગઠન નેશનલ તૌહીથ જમાત હોવાનું જણાવ્યું છે.

સુસાઈડ બોમ્બર્સ શ્રીલંકન નાગરીક હોવાનું પણ તેમણે જણાવ્યું છે. જો કે આ હુમલા આંતરરાષ્ટ્રીય નેટવર્કની મદદથી કરવામાં આવ્યા હોવાનું સેનારત્નેએ જણાવ્યું છે.

રાષ્ટ્રપ્રમુખ સિરિસેનાએ શ્રીલંકાની સુપ્રીમ કોર્ટના રિટાયર ન્યાયાધીશના જસ્ટિસ વિજિથ મલાલાગોડાના  વડપણ હેઠળ ત્રણ સદસ્યોની કમિટીને ઈસ્ટર પર થયેલા વિસ્ફોટોના મામલાની તપાસ સોંપી છે. અન્ય બે સદસ્યોમાં ભૂતપૂર્વ આઈજીપી એન. કે. ઈલ્લાંગાકુન અને રિટાયર વરિષ્ઠ અધિકારી પી. જયામન્નાનો સમાવેશ થાય છે.

આત્મઘાતી હુમલામાં સાત લોકો હોવાનું સરકારનું માનવું છે.

પોલીસે અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરી છે.

સોમવારે સવારે પોલીસે કોલંબોના મુખ્ય એરપોર્ટ પર ઈમ્પ્રોવાઈઝ્ડ પાઈપ બોમ્બને સફળતાપૂર્વક ડિફ્યૂઝ કર્યો છે. આ એક હોમમેઈડ પાઈપ બોમ્બ હતો અને રવિરે મોડી રાત્રે મુખ્ય ટર્મિનલ તરફના રોડ પર મળી આવ્યો હતો.