Site icon Revoi.in

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા તૈયાર કરાઈ રણનીતિ

Social Share

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા તૃણમૂલ કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોને ધ્વંસ કરવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે. તેમજ જાન્યુઆરી મહિનામાં પ્રચાર-પ્રસારની રૂપરેખા પણ તૈયાર કરવામાં છે.

આ મહિને ભાજપ દ્વારા વિવેકાનંદ જ્યંતિ અને સુભાષ ચંદ્ર બોઝ જ્યંતિને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાજપ શ્યામાપ્રસાદ મુખર્જીની પાર્ટી હોવાનું જણાવીને ભાજપ પોતાને બંગાળની ભૂમિ સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડિસેમ્બર મહિનામાં ભાજપ અને તૃણમુલ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને કારણે રાજકીય માહોલ જામ્યો હતો. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના એક નેતાએ દીદીનો સાથ છોડીને ભાજપમાં જોડાયાં હતા. બીજી તરફ મમતા બેનર્જીએ ભાજપના નેતાઓ જે વિસ્તારની મુલાકાત લીધી હતી ત્યાંનો પ્રવાસ કર્યો હતો.

મમતા બેનર્જી ક્ષેત્રિય અસ્મિતા અને બંગાળની ધરોહરના મુદ્દે આગળ વધી રહ્યાં છે. બીજી તરફ ભાજપ પોતાને શ્યામાપ્રદાસ મુખર્જીની પાર્ટી બતાવીને નેશનલ લેવલ ઉપર બંગાળની ભૂમિ સાથે પોતાને જોડી રહી છે. ભાજપ આ મહિને તા. 12 જાન્યુઆરીના રોજ વિવેકાનંદ જ્યંતિ અને તા. 23મી જાન્યુઆરીના રોજ સુભાષ ચંદ્ર બોઝ જ્યંતિ ઉપર રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.

Exit mobile version