Site icon Revoi.in

ભારત સામે WTCની ફાઈનલ રમવી તે રોમાંચક બાબત: ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન

Social Share

દિલ્લી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ  ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ સાઉથમ્પ્ટન ખાતે રમાવા જઈ રહી છે અને 18મી જૂનના રોજથી મેચ શરુ થશે. મેચ પહેલા ક્રિકેટ રસિયાઓમાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન દ્વારા મહત્વની વાત કહેવામાં આવી છે.

કેપ્ટન કેન વિલિયમ્સન દ્વારા કહેવામાં આવ્યું છે કે WTCની ફાઈનલ ભારતની સામે રમવી તે રોમાંચક બાબત છે. ભારત સામે રમવું હંમેશા જબરજસ્ત પડકાર હોય છે તેથી તેની સામે રમવાનો રોમાંચ પણ અનેરો હોય છે. WTCની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી જેવી રોમાંચક રહી હતી તેવી જ રોમાંચક રહેશે.

આગળ કેન વિલિયમ્ન દ્વારા તે પણ ઉમેરવામાં આવ્યું હતુ કે અમારી પાકિસ્તાન સામેની શ્રેણી ઘણી સારી ગઈ હતી. અમે ફક્ત સારો દેખાવ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાવા જઈ રહેલી WTCની ફાઈનલ પર ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર વેગ્નરને પણ કહ્યું કે ભારતીય ફાસ્ટ બોલરો ઇંગ્લેન્ડના વાતાવરણનો ફાયદો ઉઠાવી શકવાની પરિસ્થિતિમાં છે, પરંતુ હવામાન બદલાવવાની સાથે-સાથે વિકેટો પણ બદલાઈ શકે છે. ભારત પાસે ઘણા બધા ક્વોલિટી ફાસ્ટ બોલર છે અને તે વિવિધ પ્રકારની પરિસ્થિતિઓમાં સારો દેખાવ કરવા માટે સમર્થ છે. તેઓ ભેજવાળા વાતાવરણમાં બોલ સારી રીતે સ્વિંગ કરી શકે છે, પરંતુ જો સૂરજ બરોબર તપતો હશે તો વિકેટ એકદમ ફ્લેટ હશે. તેમા બોલરોને ખાસ મદદ નહીં મળે.

ન્યૂઝીલેન્ડના મોટાભાગના ખેલાડીઓ ઇંગ્લેન્ડ પહોંચી ગયા છે. તેઓ ડબલ્યુટીસીની ફાઇનલ પહેલા ઇંગ્લેન્ડ સામે બીજી જુનથી ટેસ્ટ સિરીઝ રમવાના છે. ભારતીયો મુંબઈમાં આકરું ક્વોરેન્ટાઇન ગાળ્યા પછી જુનના પહેલા સપ્તાહમાં લંડન પહોંચશે.