દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેસ્ટમેન ગણાતા યુવરાજસિંહ દ્વારા વરોષો બાદ પોતાની પીડા સાર્વજનિક કરી છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, વર્ષ 2007ની ટી-20 વિશ્વ કપમાં કપ્તાની મળવાની આશા હતી. જો કે, એ સમયે મહેન્દ્રસિંહ ધોનીને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી હતી.
ક્રિકેટ જગતમાં યુવીના હુલામણા નામથી ઓળખાતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, ભારતીય ટીમ 50 ઓવરની વર્લ્ડ કપ હારી ચુકી હતી. ભારતીય ક્રિકેટમાં એ સમયે ભારે ઉથલ-પથલ હતી. જે બાદ ભારતીય ટીમ બે મહિનાના ઈંગ્લેન્ડના પ્રવાસ ગઈ હતી. આ ઉપરાંત સાઉથ આફ્રિકા અને આયરલેન્ડનો પણ પ્રવાસ કર્યો હતો. જે બાદ એક મહિના માટે ટી-20 વર્લ્ડ કપ હતી. તો કુલ ચાર મહિનાથી વધારે સમય ઘરથી બહાર રહ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, તે વખતે સિનિયર ખેલાડીઓને લાગતું હતું કે, એક બ્રેકની જરૂર છે. આમ ટી-20 વિશ્વ કપને ગંભીરતાથી લેવામાં આવતો ન હતો. જેથી મને આશા હતી કે, ટી-20 વિશ્વ કપ માટે ભારતીય ટીમની કમાન સોંપવામાં આવશે. જો કે, મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ધોની કેપ્ટન બન્યાં બાદ તેમની સાથે કેવા સંબંધ હતા તેવા સવાલના જવાબમાં યુવરાજે જણાવ્યું હતું કે, જે પણ કેપ્ટન હોય તેને સમર્થન આપવું જોઈએ. પછી તે રાહુલ દ્રવીડ હોય કે, ગાંગુલી હોય આપ ટીમના મેમ્બર છો, હું પણ ટીમનો સભ્ય હતો અને ટીમ વધારે મજબુત બને તેવુ ઈચ્છતો હતો.
ટી-20 વિશ્વ કપમાં ભારતની જીતમાં યુવરાજસિંહની ભૂમિકા મહત્વની હતી. ટૂર્નામેન્ટ દરમિયાન તેમણે અનેક યાદગાર ઈનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડની સામે મેચમાં સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં યુવરાજ સિંહે છ સિક્સર મારી હતી. ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતે ટી-20 વિશ્વ કપમાં જીત મેળવી હતી. વર્ષ 2011માં 28 વર્ષ બાદ ભારતીય ટીમે 50 ઓવરનો વિશ્વ કપ જીત્યો હતો. જેમાં પણ યુવરાજસિંહની મહત્વની ભૂમિકા હતી.