Site icon Revoi.in

બલૂચિસ્તાનમાં આઝાદીની આકાંક્ષા બની હિંસક, પાકિસ્તાન નેવી-કોસ્ટગાર્ડના 14ને બસમાંથી ઉતારી ગોળીએ દીધાનો BRASનો દાવો

Social Share

પાકિસ્તાનના કબજા હેઠળ હોવાનું માનતા બલૂચો બલૂચિસ્તાનની આઝાદી માટે સાત દાયકાઓથી દરેક પ્રકારની લડાઈ લડી રહ્યા છે અને પાકિસ્તાની સેના તથા સરકારના અત્યાચારોને પણ સહન કરી રહ્યા છે. જો કે પાકિસ્તાની સેના અને સરકારને બલૂચ “સ્વતંત્રતાસેનાની”ઓ દ્વારા તેમને સમજમાં આવતી ભાષામાં પ્રતિકાર સ્વરૂપે જવાબ પણ મળી રહ્યો છે.

ઓરમારા ક્ષેત્રમાં 14 બિન-બલૂચો ગોળીએ દેવાયા

આવી જ એક ઘટનામાં પાકિસ્તાનના કબજા હેઠળ રહેલા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતના અરમારા વિસ્તારના અંતરિયાળ ક્ષેત્રમાં ગ્વાદરથી કરાચી જઈ રહેલી કેટલીક બસોને રોકવામાં આવી હતી અને તેમાથી લોકોને નીચે ઉતારીને ગોળીએ દેવાયા છે. લગભગ બે ડઝનથી વધુ બંદૂકધારી હુમલાખોરો દ્વારા વરસાવામાં આવેલી ગોળીઓમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે.

બલૂચિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ઝહુર બુલેદીને ટાંકીને અલ ઝઝીરાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે પ્રવાસીઓને બસોમાંથી નીચે ઉતારીને અન્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના ગુરુવારે સવારે બની હતી.

બુલેદીએ કહ્યુ છે કે હુમલાખોરોએ બિન-બલોચ લોકોને તેમના આઈડી કાર્ડ અને એમ્પ્લોયી કાર્ડ પરથી અલગ તારવ્યા હતા. બાદમાં તેમને નીચે આવેલા પહાડી વિસ્તારમાં લઈ જવામાં આવ્યા અને તેમના હાથ બાંધ્યા બાદ તેમના ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

સ્થાનિક તબીબ મુહમ્મદ મુસાને ટાંકીને અલ ઝઝીરાએ પોતાના અહેવાલમાં કહ્યુ છે કે મોટાભાગના લોકોને માથામાં ગોળી મારવામાં આવી હતી.

બલુચિસ્તાનના ગૃહ પ્રધાન ઝિયા લોંગોવે હત્યાકાંડની પુષ્ટિ કરીને હુમલાખોરોનું પગેરું દબાવવા માટે તપાસ શરૂ કરાઈ હોવાનું જણાવ્યું છે. પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન તથા બલુચિસ્તાનના મુખ્યપ્રધાને પણ હત્યાકાંડને વખોડયો છે.

બલૂચિસ્તાનના ગૃહ પ્રધાને કહ્યુ છે કે આ માર્ગ પર નિશ્ચિતપણે સુરક્ષાને લઈને તકેદારી રાખવામાં આવે છે, પરંતુ કરાચીથી ગ્વાદરનો માર્ગ ઘણો લાંબો છે. ઘણી સુરક્ષા ચોકીઓ હોવા છતાં આતંકવાદીઓ  ધારે ત્યારે હુમલા કરે છે. તેઓ અંતરિયાળ સ્થાનો પર વાહનોને નિશાન બનાવી શકે છે.

આ બસો પ્રવાસીઓને લઈને ગ્વાદરથી કરાચી આવી રહી હતી. ગ્વાદરથી કરાચી પાકિસ્તાનના સૌથી લાંબા રુટમાંથી એક છે અને તે અંદાજે 630 કિલોમીટરનું અંતર ધરાવે છે.

હિંગોલ નેશનલ પાર્ક નજીક મકરાન કોસ્ટલ હાઈવે પર એક અંતરિયાળ વિસ્તારમાં હુમલો થયો છે.

હુમલાની જગ્યા ઘણી અંતરિયાળ છે અને તેની નજીકનું શહેર ઓરમારા 60 કિલોમીટર અને ગ્વાદર 300 કિલોમીટર દૂર છે.

બલોચ રાજી આજોઈ સંગારે (BRAS) લીધી જવાબદારી

આ હુમલાની જવાબદારી બલોચ રાજી આજોઈ સંગાર એટલે કે બીઆરએએસ નામન જૂથે લીધી છે. બીઆરએએસ પાકિસ્તાનથી આઝાદ થવા માંગતા વંશીય બલૂચોના હથિયારબંધ જૂથોમાં સામેલ છે. બીઆરએએસ દ્વારા નિવેદન ઈમેલ કરીને હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે.

બીઆરએએસના પ્રવક્તા બલોચ ખાને કહ્યુ છે કે પાકિસ્તાન નેવી અને કોસ્ટગાર્ડ્સના આઈડી કાર્ડ ધરાવનારાઓને જ નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમને ઓળખ કરાયા બાદ જ ઠાર કરવામાં આવ્યા હતા.

બુલેદીએ કહ્યુ છે કે સરકાર તાત્કાલિક પુષ્ટિ કરી શકી નથી કે ઠાર થનારા લોકો સુરક્ષાદળોના હતા કે કેમ?

બલૂચોને થવું છે પાકિસ્તાનથી આઝાદ

પાકિસ્તાનમાં વંશીય બલૂચ લોકો સાત દાયકાથી આઝાદી માટે લડી રહ્યા છે. પરંતુ છેલ્લા એક દાયકામાં બલૂચ નેતા અકબરખાન બુગ્તીની જનરલ પરવેઝ મુશર્રફના આદેશ બાદ કરાયેલી હત્યાને કારણે બલૂચ જૂથોની આક્રમકતા વધી છે. તેમના દ્વારા બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષાદળો અને સરકારને નિશાન બનાવવામાં આવે છે.

બલૂચિસ્તાન પાકિસ્તાનનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો અને ઓછી વસ્તી ધરાવતો પ્રાંત છે. બલૂચિસ્તાનમાં ખનીજોની વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધતાને કારણે પાકિસ્તાનની સરકાર અને સેના દાયકાઓથી લૂંટ ચલાવી રહી છે અને હવે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના નામે બલૂચિસ્તાનને લૂંટવામાં ચીનને પણ સાથે સાંકળી રહી છે.

ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અંદાજે 60 અબજ ડોલરનો ચીનના રોકાણ અને લોનના આધારે સેંકડો ટ્રેડ અને રોડના પ્રોજેક્ટ વિકસિત કરાઈ રહ્યા છે. આ કોરિડોર દ્વારા બલૂચિસ્તાનના ડીપ સી પોર્ટ ગ્વાદરને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડવામાં આવશે. આ સીપીઈસી બલૂચિસ્તાન, સિંધ, પંજાબ અને પીઓકે-ગિલગિત-બાલ્તિસ્તાનમાંથી પસાર થાય છે. જો કે પાકિસ્તાનના પંજાબ સિવાયના લગભગ તમામ વિસ્તારમાં ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના નામે ચાલનારા શોષણના ખેલનો સ્થાનિકો દ્વારા આક્રમક અને ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

બલૂચિસ્તાનની આઝાદીની લડાઈ લડી રહેલા બલૂચ સંગઠનો દ્વારા પાકિસ્તાનની સેના અને સરકાર પર માનવાધિકાર ભંગના અને પોલિટિકલ એક્ટિવિસ્ટને રંજાડવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમનો આરોપ છે કે પાકિસ્તાનની સરકાર અને સેના બલૂચિસ્તાનના સંશાધનોને સ્થાનિકોના ભલા માટે ઉપયોગમાં લીધા વગર અન્યત્ર લઈ જઈને વાપરી રહી છે.

ઈન્ટરનેશનલ મીડિયાનું “સિલેક્ટિવ” વલણ

પાકિસ્તાની સેના અને સરકાર બલૂચ હથિયારબંધ જૂથોને કથિતપણે ભારતનું સમર્થન હોવાનો આરોપ લગાવતા હોવાનું પણ અલ ઝઝીરાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે. જો કે ભારતના જમ્મુ-કાશ્મીરના પીઓકે અને ગિલગિત-બાલ્તિસ્તાન પર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાના સાત દાયકા વિતવા છતાં તેના સંદર્ભે આંતરરાષ્ટ્રીય મીડિયા મહદઅંશે ચુપકીદી સેવતા રહે છે.

તો જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત, પોષિત અને પ્રાયોજીત આતંકવાદની સામે પણ ઈન્ટરનેશનલ મીડિયા આઝાદીની લડાઈના નામે અલગ રીતે જ રિપોર્ટિંગ કરે છે અથવા તો ભારતીય સુરક્ષાદળોના કથિત અત્યાચારોની વાત ભારતની અંદરના કેટલાક લોબિસ્ટ તત્વોની મદદથી કરવા લાગે છે. જમ્મુ-કાશ્મીરમાં ભારતની સામે 1971ની કારમી હારનો બદલો લેવા માટે પાકિસ્તાનની બ્લિડ ઈન્ડિયા પોલિસી હેઠળ ઈસ્લામિક આતંકવાદને હવા આપવામાં આવી રહી હોવાની વાતને સતત અવગણવામાં આવે છે.

ઈમરાનની ચીન મુલાકાત પહેલા હત્યાકાંડ

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની 25 એપ્રિલથી ચાર દિવસની ચીન મુલાકાત પહેલા બલૂચિસ્તાનના આઝાદીની માગણી કરતા જૂથ દ્વારા 14 લોકોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બની છે. પાકિસ્તાનમાં ચાલી રહેલી આર્થિક કટોકટી વચ્ચે ઈમરાનખાન બીજિંગ ખાતે યોજાઈ રહેલી બીજી બેલ્ટ એન્ડ રોડ ફોરમમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના આમંત્રણ પર જઈ રહ્યા છે. આ સંમેલનમાં 40 દેશોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે અને 100થી વધુ દેશોના પ્રતિનિધિમંડળો ભાગ લઈ રહ્યા છે. જો કે ભારત આમા ભાગ લઈ રહ્યું નથી. મહત્વપૂર્ણ છે કે ઈમરાન માત્ર છ માસના ટૂંકાગાળામાં બીજી વખત ચીન જઈ રહ્યા છે. સીપીઈસીના પીઓકેમાંથી પસાર થવા સામે ભારત દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેથી પહેલી બેલ્ટ એન્ડ રોડ ફોરમથી પણ ભારત અળગું રહ્યુ હતું. ચીન પહેલા ઈમરાન ખાન 21 એપ્રિલે ઈરાનની પણ બે દિવસની મુલાકાતે જવાના છે.

બલૂચિસ્તાનને રંજાડવામાં ચીનનો સાથ

બૂલચિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકાર ભંગ અને અત્યાચારની નોંધ 2015માં ભારતના સ્વતંત્રતા દિવસે લાલકિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી. પરંતુ પાકિસ્તાન ચીનની મદદથી સીપીઈસીના નામે પાકિસ્તાનના સુન્ની ક્ટ્ટરપંથી અને ઈસ્લામિક જૂથો જેવા કે જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે તૈયબા અને આઈએસઆઈના જેહાદી નેટવર્કના સંગઠનો દ્વારા બલૂચોની આઝાદીની માગને કચડી નાખવાનો ઈરાદો ધરાવે છે. આના માટે પાકિસ્તાન બલૂચિસ્તાનની વંશીય વસ્તી સંતુલનને પણ ખોરવી નાખવા માગે છે. જેમાં મસૂદ અઝહર જેવા તત્વો ચીનના હિતોની સુરક્ષા માટે જરૂરી છે. આવા સંજોગોમાં મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવામાં ચીન સતત વીટોનો ઉપયોગ કરીને આખી વાત ખોરંભે નાખી રહ્યું છે.

પાકિસ્તાની મીડિયાનું વલણ

પાકિસ્તાનના મીડિયા ડૉન, જીઓ ન્યૂઝ દ્વારા બલૂચિસ્તાનમાં BRAS દ્વારા કરાયેલા 14 લોકોના હત્યાકાંડમાં બિન-બલૂચોને નિશાન બનાવવાની અને પાકિસ્તાની નેવી-તટરક્ષક દળના લોકોને શોધીને ગોળી મારવામાં આવી હોવાની વાતને શરૂઆતના અહેવાલોમાં દબાવવાની કોશિશ કરવામાં આવી હતી. જો કે પાકિસ્તાની મીડિયા કટ્ટરપંથી તત્વો, પાકિસ્તાની સેના-આઈએસઆઈના સંપૂર્ણ નિયંત્રણમાં છે. કટ્ટરપંથી માનસિકતા ધરાવતા પાકિસ્તાની મીડિયા દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ઝીણામાં ઝીણી માહિતી પર નજર રાખીને તેને પોતાના મોખરાના ન્યૂઝમાં ચમકાવામાં આવે છે. પરંતુ બલૂચિસ્તાનની ઘટનાઓને તથ્યોથી વેગળી કરીને રજૂ કરવી અને દબાવવાની કોશિશો પણ કરવામાં આવે છે.

ભારતીય મીડિયાનું વલણ

ભારતીય મીડિયામાં પણ મુખ્યપ્રવાહના ઘણાં જૂથો દ્વારા બલૂચિસ્તાનમાં બનતી ઘટનાઓને એટલી ઝીણવટભરી રીતે જોવાતી નથી કે જેવી રીતે ભારતના જમ્મુ-કાશ્મીરમાં બનતી ઘટનાઓને પાકિસ્તાનના મેઈન સ્ટ્રીમ મીડિયાના કટ્ટરપંથી તત્વો દ્વારા જોવામાં આવે છે. ભારતીય મીડિયાએ પણ પાકિસ્તાનમાં બનતા આતંકી હુમલાની સામાન્ય ઘટનાની જેમ જ બલૂચિસ્તાનમાં થયેલા 14 બિન-બલોચને ગોળી મારી દેવાની ઘટનાને ભારતના લોકો સામે તથ્યનિષ્ઠ રજૂઆતની ખાસ કોઈ કોશિશ કરી હોવાનું શરૂઆતના અહેવાલોમાં દેખાયું નથી.