Site icon Revoi.in

બાળકીને ખાતર નરમ પડી યુએઈની સરકાર, હિંદુ પિતા અને મુસ્લિમ માતાની પુત્રીને આપ્યું બર્થ સર્ટિફિકેટ

Social Share

દુબઈ: સંયુક્ત આરબ અમિરાતની સરકારે માનવીય પાસાઓને ધ્યાનમાં રાખતા એક બાળકીને ખાતર પોતાના નિયમોની વિરુદ્ધ જવાનું ઉદાહરણ રજૂ કર્યું છે. યુએઈની સરકારે એક હિંદુ પુરુષ અને મુસ્લિમ મહિલાની પુત્રીને જન્મ પ્રમાણપત્ર આપ્યું છે. આના પહેલા સુધી યુએઈમાં પ્રવાસીઓ માટે લગ્નના નિયમ પ્રમાણે, મુસ્લિમ પુરુષ તો કોઈ બિનમુસ્લિમ સાથે લગ્ન કરી શકે છે. પરંતુ મુસ્લિમ મહિલા કોઈ બિનમુસ્લિમ વ્યક્તિ સાથે નિકાહ કરી શકતી નથી.

ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, શાહજહાંમાં વસતા કિરણ બાબુ અને સનમ સાબુ સિદ્દિકીએ 2016માં કેરળમાં લગ્ન કર્યા હતા. જ્યારે જુલાઈ-2018માં તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો, ત્યારે તેમની સામે મુશ્કેલી આવી હતી.

કિરણ બાબુએ કહ્યુ કે મારી પાસે આબુ ધાબીનો વીઝા છે. મારો ત્યાં વીમો ઉતારાવેલો છે. મે મારી પત્નીને અમીરાતની મેદીવર  24X7 હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. પુત્રીના જન્મ બાદ, મારા હિંદુ હોવાને કારણે જન્મ પ્રમાણપત્ર આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો.

તેમણે કહ્યુ હતુ કે બાદમાં મે કોર્ટ દ્વારા પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. તેના માટે ચાર માસ સુધી સુનાવણી ચાલી, પરંતુ મારા મામલાને નામંજૂર કરવામાં આવ્યો. કિરણ બાબુએ કહ્યુ કે તેમની પુત્રી પાસે કોઈ કાયદાકીય દસ્તાવેજ ન હતો, તો તેમની તમામ આશાઓ માફી મળવા પર ટકેલી હતી.

યુએઈએ 2019ને સહિષ્ણુતા વર્ષ તરીકે ઘોષિત કર્યું છે. તેના પ્રમાણે યુએઈ સહિષ્ણુ રાષ્ટ્રનું ઉદાહરણ રજૂ કરશે અને અલગ-અલગ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદની ઉણપને પૂર્ણ કરશે અને એવો માહોલ બનાવશે જ્યાં લોકો એકબીજાને અપનાવે.

કિરણ બાબુએ કહ્યુ છે કે તે દિવસો ઘણાં તણાવપૂર્ણ હતા અને માફી જ એક આશા હતી. ભારતીય દૂતાવાસે મદદ કરી. તેમણે જણાવ્યુ કે ન્યાયિક વિભાગે તેમના મામલાને એક અપવાદરૂપ બનાવ્યો હતો.

તેઓ ફરીથી કોર્ટમાં ગયા અને તે વખતે તેમના મામલાને મંજૂરી મળી ગઈ. તેના પછી લગભગ એક વર્ષ સુધી ચાલેલી લડાઈમાં યુગલને 14મી એપ્રિલે પુત્રીનું બર્થ સર્ટિફિકેટ મળ્યું હતું.