Site icon Revoi.in

ટીવી શૉમાં ભૂલથી રાષ્ટ્રપ્રમુખ બનનારા કોમેડિયન જેલિંસ્કી બનશે યુક્રેનના અસલી પ્રેસિડેન્ટ

Social Share

યુક્રેનમાં એક કોમેડિયનને લોકોએ રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટયા છે. ટીવી શૉમાં કોમેડિયનનો કિરદાર નિભાવનાર અને તેમા ભૂલથી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ જનારા વોલોદીમીર જેલિંસ્કી ભારે મતોની સરસાઈથી યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા છે અને હવે તેઓ સત્તાવાર રીતે રાષ્ટ્રપ્રમુખ બનશે. જેલિંસ્કીને 73 ટકા અને તેમના પ્રતિસ્પર્ધી નિવર્તમાન રાષ્ટ્રપ્રમુખ પેત્રો પોરોશેંકોને 25 ટકા વોટ પ્રાપ્ત થયા છે.

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ્સમાં કોમેડિયન વોલોદીમીર જેલિંસ્કીને ભારે જીત મળતી દેખાઈ રહી હતી. આ એક્ઝિટ પોલ્સ મુજબ, નવા-નવા રાજકારણમાં આવેલા જેલિન્સ્કીને યુક્રેનના 70 ટકાથી વધુ લોકોનું સમર્થન પ્રાપ્ત હતું.  જેલિંસ્કીની સામે પડકાર તરીકે નિવર્તમાન રાષ્ટ્રપ્રમુખ પેત્રો પોરોશેંકો હતા, તેમણે પોતાની હાર માની લીધી હતી.

પોતાની જીતની ખુશી મનાવતા જેલિંસ્કીએ રવિવારે કહ્યુ છે કે હું તમને ક્યારેય અપમાનિત નહીં થવા દઉં. તેમણે એમ પણ કહ્યુ હતુ કે હું હાલ સત્તાવાર રીતે રાષ્ટ્રપ્રમુખ બન્યો નથી, પરંતુ યુક્રેનના એક નાગરીક તરીકે હું ભૂતપૂર્વ સોવિયત સંઘના તમામ દેશોને કહી શકું છું, અમને જોવો, કંઈપણ શક્ય છે.

જેલિંસ્કી યુક્રેનની એક વ્યંગાત્મક ટેલિવિઝન સીરિઝમાં કામ કરે છે. આ ટેલિવિઝન સીરિઝમાં તેમનું કિરદાર ભૂલથી રાષ્ટ્રપ્રમુખ બની જાય છે. યુક્રેનમાં રાષ્ટ્રપ્રમુખ પાસે દેશની સુરક્ષા, સંરક્ષણ અને વિદેશ નીતિ સાથે સંબંધિત મહત્વપૂર્ણ શક્તિઓ હોય છે.

વોલોદીમીર યુક્રેનમાં લાંબા સમયથી ચાલી રહેલી એક વ્યંગાત્મક ટેલિવિઝન સીરિઝ સર્વેન્ટ ઓફ ધ પીપલમાં મુખ્ય કિરદાર નિભાવનારા એક્ટર હતા. તેઓ ટેલિવિઝનની સીરિઝમાં ભૂલથી રાષ્ટ્રપ્રમુખ બની જાય છે.

ભૂલથી રાષ્ટ્રપ્રમુખ બનતા પહેલા જેલિંસ્કીનો કિરદાર એક શિક્ષકનો હોય છે અને રાષ્ટ્રપ્રમુખ માટે ચૂંટાઈ જાય છે, કારણ કે ભ્રષ્ટાચાર પર બનાવવામાં આવેલો તેમનો એક વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે.

બાદમાં જેલિંસ્કીએ પોતાના શૉની નામનાની સાથે જ યુક્રેનમાં એક રાજકીય પાર્ટી જોઈન કરી લીધી હતી. જો કે જેલિંસ્કી પાસે પહેલાથી કોઈ રાજકીય અનુભવ હતો નહીં, તો તેમણે પોતાના રાજકીય અભિયાનને માત્ર બીજા રાજનેતાઓથી ખુદના અંતર સુધી જ મર્યાદીત રાખ્યું હતું.

તેમ છતાં તેમને પહેલા  તબક્કાની ચૂંટણીમાં 30 ટકાથી વધુ વોટ મળ્યા હતા. જે તેમના પ્રતિસ્પર્ધી પોરોશેંકોને મળેલા 15.9 ટકા વોટથી બેગણા હતા.

યુક્રેનના ચૂંટણી વિશ્લેષકો મુજબ, જેલિંસ્કીની બિનઔપચારીક સ્ટાઈલ અને યુક્રેનની રાજનીતિને સ્વચ્છ કરવાના જુમલાએ એવા લોકોને આશા દર્શાવી છે કે જેમને પોરોશેંકોની રાજનીતિથી હતાશા પ્રાપ્ત થઈ હતી.

વિશ્લેષકો પ્રમાણે, આ લોકોએ જેલેન્સ્કીનો સાથે આપ્યો, તેઓ પોરોશેંકો અને યુક્રેનના ભ્રષ્ટાચારયુક્ત માહોલથી ઉબાઈ ચુક્યા હતા.

રવિવારે જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ્સમાં નિવર્તમાન રાષ્ટ્રપ્રમુખ પોરોશેંકોને 25 ટકાથી પણ ઓછા વોટ મળ્યા છે. તેઓ 2014થી સત્તામાં હતા. તેમણે એક્ઝિટ પોલ્સના સામે આવ્યા બાદ કહ્યુ હતુ કે ચૂંટણી પરિણામે આપણને અનિશ્ચતતાની સાથે છોડી દીધા છે.

આવી કારમી હાર બાદ પોરોશેંકોના રાજકારણ છોડવાની અટકળબાજી પણ ચાલી રહી હતી. પરંતુ પોરોશેંકોએ ખુદ કહ્યુ છે કે તેઓ ભલે પોતાનું પદ છોડી દેશે, પરંતુ રાજકારણને અલવિદા કહેવાના નથી.