Site icon Revoi.in

શ્રીલંકામાં આઠ વિસ્ફોટો કરનારા નવ ફિદાઈનમાં એક મહિલા, મૃતકોની સંખ્યા 359 પર પહોંચી

Social Share

શ્રીલંકાના સંરક્ષણ પ્રધાન રુવાન વિજેવર્ધને ઈસ્ટર સનડેએ થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો મામલે મોટો ખુલાસો કરતા કહ્યુ હતુ કે નવ આત્મઘાતી બોમ્બરોમાંથી એક હુમલાખોર મહિલા હતી. રવિવારે થયેલા ચર્ચો અને હોટલોને નિશાન બનાવીને કરવામાં આવેલા વિસ્ફોટોમાં મૃત્યુઆંક 359 પર પહોંચી ચુક્યો છે. દક્ષિણ એશિયામાં આતંકવાદી ઘટનાઓમાંથી સૌથી મોટી ઘટનામાં તેનો સમાવેશ થાય છે. આઈએસઆઈએસ દ્વારા શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોની જવાબદારી લેવામાં આવી છે.

શ્રીલંકાના પબ્લિક એન્ટરપ્રાઈઝ મંત્રાલયના પ્રધાન લક્ષ્મણ કિરિએલ્લાએ સંસદમાં જણાવ્યું છે કે કેટલાક ટોચના ઈન્ટેલિજન્સ અધિકારીઓએ ઈરાદાપૂર્વક ઈન્ટેલિજન્સ ઈનપુટ્સને છૂપાવ્યા હતા. માહિતી હતી, પરંતુ ટોચના સુરક્ષા અધિકારીઓએ તેને લઈને યોગ્ય કાર્યવાહી કરી નહીં.

શ્રીલંકાના પ્રધાને કહ્યુ છે કે કોઈક આ ટોચના ઈન્ટેલિજન્સ અધિકારીઓને નિયંત્રિત કરતું હતું. સિક્યુરિટી કાઉન્સિલ રાજકારણ ખેલી રહી હતી. આ મામલે તપાસ કરવાની જરૂર છે.

લક્ષ્મણ કિરિએલ્લાએ કહ્યુ છે કે 100થી વધુ લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ શ્રીલંકા બુરખા પર રોક લગાવવાનું વિચારી રહ્યુ છે, કારણ કે શકમંદોની પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે વિસ્ફોટોમાં મોટા પ્રમાણમાં મહિલાઓની પણ સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે.

ડેલી મિરરે સૂત્રોને ટાંકીને જણાવ્યુ છે કે શ્રીલંકાની સરકાર મસ્જિદ ઓથોરિટીઝની સાથે ચર્ચા કરીને બુરખા પર પ્રતિબંધ લગાવવાના મામલે વિચારણા કરી રહ્યું છે.

જો શ્રીલંકા બુરખા પર પ્રતિબંધ લગાવે છે, તો તે આતંકી રોકથામ માટેની કાર્યવાહી હેઠળ બુરખા પર રોક લગાવનારા એશિયન, આફ્રિકન અને યુરોપના દેશોમાં સામેલ થઈ જશે.

કોલંબોમાં થિયેટરની બહાર પાર્ક કરવામાં આવેલા શંકાસ્પદ બાઈકને પોલીસે નિયંત્રિત વિસ્ફોટ કરીને ઉડાવ્યું છે.

શ્રીલંકાની પોલીસે કહ્યું છે કે વેલ્લાવટ્ટાના સિવોય સિનેમા નજીક માલિકી વગરના બાઈકને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડે કંટ્રોલ વિસ્ફોટ દ્વારા નષ્ટ કર્યું છે.

શ્રીલંકન પોલીસે તમામ વાહનચાલકોને વાહન પાર્ક કરતી વખતે તેમના કોન્ટેક્ટ નંબર આપવા માટે તાકીદ કરી છે.

સુરક્ષાદળોએ ઈસ્ટર બોમ્બ એટેક મામલે શ્રીલંકામાં ઠેરઠેર સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી છે.