Site icon Revoi.in

વડોદરામાં 70 હજારથી વધારે મતદારો ઉમેરાયાં, મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ

Social Share

અમદાવાદઃ એક મહિનો ચાલેલી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની પ્રક્રિયા બાદ આજે વડોદરા શહેર અને જિલ્લાની ફોટાવાળી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લાની મતદાર યાદીમાં 33934 પુરુષ અને 37033 મહિલા મતદારોની નવી નોંધણીને પગલે કુલ 70967 નવા મતદારો ઉમેરાયા છે અને જેંડર રેશિયોમાં 4 અંકનો સકારાત્મક સુધારો, યાદીમાં પુરુષ અને મહિલા મતદારોની સંખ્યા વચ્ચે વધેલી સમતુલા દર્શાવે છે.

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની સમગ્ર પ્રક્રિયાની વિગતવાર જાણકારી આપતાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોશીએ જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા 1લી જાન્યુઆરી 2022ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. તેના હેઠળ નિયમિત નોંધણી ઉપરાંત એક મહિનાના સમયગાળા દરમિયાન ત્રણ રવિવારો અને એક શનિવારે મતદાન મથકો ખાતે ખાસ નામ નોંધણી ઝુંબેશ યોજીને, મતદારોને તેમના રહેઠાણની નજીક નામ નોંધાવવાની સુવિધા આપવામાં આવી હતી. તમામ પ્રક્રિયા ચૂંટણી પંચના નિયમો અને જોગવાઈઓ અનુસાર હાથ ધરીને નવીન ફોટોવાળી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદીમાં વડોદરા જિલ્લામા કુલ 70967 મતદારો ઉમેરાયા છે. જ્યારે અવસાન પામેલા 12117 તથા સ્થળાંતરીત થયેલ 14540 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે.